November 18, 2024

સુરતના સિદ્ધાર્થ દોશીએ તેની જેગુઆર કારને બનાવી ‘રામમય’

રામ મંદિરને લઇને સમગ્ર દેશમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દેશના લોકો અલગ-અલગ રીતે રામ મંદિરની ઉજવણી કરતા જોવા મળે છે. લોકો પોતપોતાના સ્તરે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં પણ ભાગ લેતા જોવા મળે છે.  જેમાં ગુજરાતના સુરત શહેરના એક વ્યક્તિ સિદ્ધાર્થ દોશીએ પોતાની જગુઆર કારને રામ મંદિરના રંગોમાં રંગાવી છે. સિદ્ધાર્થ દોશીની જગુઆર કારના ઘણા ફોટા પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જેને જોઈને લોકો તેના વખાણ કરી રહ્યા છે.

સિદ્ધાર્થ દોશીએ પોતાના X હેન્ડલ પર એક ટ્વિટ કર્યું હતું. જેમાં તેમણે લખ્યું હતું કે, સુરતથી અયોધ્યા જતી વખતે આણંદ પહોંચ્યા બાદ આણંદના સ્થાનિક સાંસદ મિતેષભાઈએ તેમનું સ્વાગત કર્યું હતું અને અભિનંદન આપ્યા બાદ અયોધ્યા યાત્રા માટે શુભકામનાઓ અને આશીર્વાદ આપ્યા હતા.

ન્યૂઝ એજન્સી ANI અનુસાર, ગુજરાતના રહેવાસી સિદ્ધાર્થ દોશીએ અગાઉ પણ G20 સમિટ દરમિયાન લોકોમાં જાગૃતિ ફેલાવવાનું કામ કર્યું હતું. તેણે તેની જગુઆર કાર ભારતના G20 પ્રેસિડેન્સી-થીમ પર તૈયાર કરી હતી. દોશીએ કહ્યું હતું કે ભારત G20 જૂથની યજમાની કરી રહ્યું છે તે તમામ દેશવાસીઓ માટે ગર્વની ક્ષણ છે. G20 સમિટ દરમિયાન સિદ્ધાર્થે એક ટ્વિટમાં તેના સોશિયલ મીડિયા X હેન્ડલ પર તેની જગુઆર કારની ઘણી તસવીરો પણ પોસ્ટ કરી હતી.