December 13, 2024

શ્રદ્ધા વાકર જેવો હત્યાકાંડ બેંગલુરુમાં, ફ્રિજમાંથી મળ્યા મહિલાના 32 ટુકડા

Bengaluru Murder Case: દેશનું અગ્રણી આઇટી હબ ગણાતા બેંગલુરુમાં હત્યાનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેણે સમગ્ર શહેરમાં સનસનાટી ફેલાવી દીધી છે. 29 વર્ષીય મહિલાની નિર્દયતાથી હત્યા કરવામાં આવી. હત્યા બાદ મહિલાના શરીરના 32 ટુકડા કરીને ફ્રિજમાં મૂકેલા મળી આવ્યા હતા. મળતા અહેવાલો મુજબ, પોલીસને શંકા છે કે આ હત્યા લગભગ 15 દિવસ પહેલા થઈ હતી. પોલીસને અપરાધના સ્થળેથી મૃતક મહિલાના શરીરના ટુકડા તેના ઘરમાં ફ્રિજમાં મૂકેલા મળી આવ્યા હતા.

અન્ય રાજ્યની હતી મહિલા
હાલ પોલીસ અધિકારી સ્થળ પર છે અને મામલાની તપાસ કરી રહ્યા છે. આ હત્યા પાછળના હેતુ અથવા શકમંદોને લઈને હજુ સુધી કોઈ વધુ માહિતી પ્રાપ્ત થઈ નથી. કમિશનરે કહ્યું કે હત્યાનો ભોગ બનનાર મહિલા અન્ય રાજ્યની હતી, પરંતુ તે તેના પરિવાર સાથે બેંગલુરુમાં રહેતી હતી.

પરિવારના લોકો આવતા હત્યાકાંડનો ખુલાસો 
મૃતકના પરિવારના લોકો આવ્યા ત્યારે મહિલાની હત્યા થયાનો ખુલાસો થયો હતો. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર છેલ્લા કેટલાક દિવસોથી ઘરમાંથી દુર્ગંધ આવી રહી હતી, ત્યારબાદ ઘરનું તાળું તોડી અંદર ગયા બાદ હત્યાની જાણ થઈ. જણાવવામાં આવી રહ્યું છે કે મહિલા ત્રણ મહિના પહેલા જ આ સ્થળે ભાડાના મકાનમાં રહેવા આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, ફોરેન્સિક ટીમ, ડોગ સ્કવોડ અને એફએસએલ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને કેસની વિગતવાર માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: બાકરોલ ઓનર કિલિંગ: પ્રેમ લગ્ન કરવાની જીદ કરતી યુવતીને પરિવારે પતાવી નાંખી

દિલ્હીની શ્રધ્ધા વાકર જેવો હત્યાકાંડ 
વર્ષ 2022માં દિલ્હીના મહેરૌલીમાં શ્રદ્ધા વાકર નામની યુવતીની પણ આ જ રીતે હત્યા કરવામાં આવી હતી અને તેના શરીરના 36 ટુકડા કરવામાં આવ્યા હતા. ત્યારે મૃતકના શરીરના અંગો મહેરૌલીના જંગલમાં ફેંકી દેવાની ભયાનક ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો હતો. શ્રદ્ધા વાકરની હત્યાના આરોપી આફતાબ પૂનાવાલા હાલમાં દિલ્હીની તિહાડ જેલમાં કેદ છે. શ્રદ્ધાના પિતાની ફરિયાદ બાદ પોલીસે આરોપી આફતાબની ધરપકડ કરી લીધી હતી.