ચૂંટણી પહેલા શિંદે સરકારની મોટી ભેટ, બધાને મળશે MJPJAYનો લાભ; 60% વધ્યું પ્રીમિયમ
Maharashtra MJPJAY: મહારાષ્ટ્રની એકનાથ શિંદે સરકારે વિધાનસભા ચૂંટણી પહેલા રાજ્યની જનતાને મોટી ભેટ આપી છે. હવે દરેક માટે રાજ્યની નવી આરોગ્ય વીમા યોજના મહાત્મા જ્યોતિરાવ ફૂલે જન આરોગ્ય અભિયાન (MJPJAY) લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારે આ યોજનાનું વાર્ષિક પ્રીમિયમ 60% વધારીને રૂ. 3,000 કરોડથી વધુ કર્યું છે. નવી યોજના 1 જુલાઈથી લાગુ થવા જઈ રહી છે. નવી સ્વાસ્થ્ય વીમા યોજના હેઠળ રાજ્યના લોકોને હવે 1.5 લાખને બદલે 5 લાખ રૂપિયાનું કુલ વીમા કવચ આપવામાં આવશે. 2012માં તેની શરૂઆત પછી આ યોજનામાં મોટો ફેરફાર છે.
રાજ્ય સરકારે તાજેતરમાં આ યોજના માટે ટેન્ડર પ્રક્રિયા પતાવી છે. આ માટે જાહેર ક્ષેત્રની વીમા કંપની યુનાઈટેડ ઈન્ડિયા એશ્યોરન્સની પસંદગી કરવામાં આવી છે. રાજ્યના 12.3 કરોડ પરિવારો માટે સરકાર પ્રતિ પરિવાર રૂ. 1,300નું પ્રીમિયમ ચૂકવશે. સરકારી આંકડા અનુસાર, 2023-24માં 5.7 લાખ પરિવારોએ આ યોજનાનો લાભ લીધો છે.
નવી યોજનાના અમલ પહેલા, તેનો લાભ મેળવવા માટે વીમાધારકને 1 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવકનું રેશન કાર્ડ અને પ્રમાણપત્ર આપવું પડતું હતું, પરંતુ હવે સરકારે આ જવાબદારી દૂર કરી છે અને તેને તમામ નાગરિકો માટે સમાનરૂપે લાગુ કરી છે. હવે આવક પર પણ કોઈ મર્યાદા નથી. અગાઉ આ યોજના હેઠળ 1000 હોસ્પિટલોને પેનલમાં સામેલ કરવામાં આવી હતી પરંતુ હવે તે વધારીને 1900 હોસ્પિટલ કરવામાં આવી છે.
આ પણ વાંચો: પાવાગઢમાં જૈન મૂર્તિઓ ખંડિત કરવા મામલે રોષ, યોગ્ય કાર્યવાહી કરવાની માગ
નોંધનીય છે કે, ગયા વર્ષે જૂનમાં જ નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે MJPJAY ની વીમા રકમ 1.5 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરવાની જાહેરાત કરી હતી પરંતુ તેનો અમલ થઈ શક્યો નહોતો. લોકસભા ચૂંટણી પહેલા મહારાષ્ટ્ર સરકારે ચૂંટણી પંચને પત્ર લખીને તેને લાગુ કરવાની પરવાનગી માંગી હતી. હવે જ્યારે આદર્શ આચારસંહિતા પૂરી થઈ ગઈ છે ત્યારે સરકારે તેને આખરી ઓપ આપવાનું શરૂ કરી દીધું છે. સરકારના જણાવ્યા અનુસાર, આ યોજના હવે 1 જુલાઈથી નવા સ્વરૂપમાં શરૂ થવા જઈ રહી છે.