January 22, 2025

‘ખેડૂત નેતા દલ્લેવાલને હોસ્પિટલમાં શિફ્ટ કરો’, સુપ્રીમ કોર્ટે પંજાબ સરકારને નિર્દેશ આપ્યો

Dallewal Health Update: સુપ્રિમ કોર્ટે પંજાબ સરકારને ખેડૂત નેતા જગજીત સિંહ દલ્લેવાલને ખનૌરી બોર્ડર પર નજીકની હંગામી હોસ્પિટલમાં શિફ્ટ કરવા કહ્યું છે. નોંધનીય છે કે, દલ્લેવાલ લાંબા સમયથી વિરોધ કરી રહ્યા છે અને જેના કારણે તેમની તબિયત બગડી રહી છે. સુપ્રિમ કોર્ટે આ નિર્દેશ એટલા માટે આપ્યો કે જેથી દલ્લેવાલના સ્વાસ્થ્ય પર દિવસ-રાત નજર રાખી શકાય. જસ્ટિસ સૂર્યકાન્ત અને જસ્ટિસ ઉજ્જલ ભુઈયાની બેંચે પંજાબ સરકારના એડવોકેટ જનરલ ગુરમિન્દર સિંહને આ સૂચના આપી છે. સુપ્રીમ કોર્ટે દલ્લેવાલને ખનૌરી બોર્ડર પર વિરોધ સ્થળની નજીક સ્થિત અસ્થાયી હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવા અંગે સોગંદનામું આપવા જણાવ્યું છે.

દલ્લેવાલના સ્વાસ્થ્યની તપાસ કરવામાં આવી રહી
સિંહે બેન્ચને જણાવ્યું કે ખેડૂત નેતા જગજીત સિંહ દલ્લેવાલ સહકાર આપી રહ્યા છે અને ગુરુવારે ECG અને બ્લડ સેમ્પલ સહિત અનેક ટેસ્ટ કરવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે દલ્લેવાલની તબિયત હાલમાં સ્થિર છે. બેન્ચે ગુરુવારે નાગરિક અધિકાર કાર્યકર્તા ઇરોમ શર્મિલા દ્વારા તબીબી સંભાળના ઇનકાર અંગે એક દાયકાથી વધુ લાંબા વિરોધની નોંધ લીધી અને પંજાબ સરકારને દલ્લેવાલને આરોગ્ય તપાસ કરાવવા માટે સમજાવવા કહ્યું. બેન્ચે આમરણાંત ઉપવાસ કરી રહેલા દલ્લેવાલની મેડિકલ તપાસ ન કરાવવા બદલ પંજાબ સરકારની ઝાટકણી કાઢી હતી.

દલ્લેવાલ આમરણાંત ઉપવાસ પર છે
નોંધનીય છે કે, દલ્લેવાલ 26 નવેમ્બરથી ખનૌરી બોર્ડર પર આમરણાંત ઉપવાસ પર છે, જેનો ઉદ્દેશ્ય કેન્દ્ર પર પાક માટે MSPની કાયદેસર ગેરંટી સહિત આંદોલનકારી ખેડૂતોની માંગણીઓ સ્વીકારવા માટે દબાણ કરવાનો છે. સંયુક્ત કિસાન મોરચા (બિન-રાજકીય) અને કિસાન મજદૂર મોરચાના બેનર હેઠળ વિરોધ કરી રહેલા ખેડૂતો 13 ફેબ્રુઆરીથી પંજાબ અને હરિયાણા વચ્ચેની શંભુ અને ખનૌરી બોર્ડર પર છાવણી કરી રહ્યા છે કારણ કે તેમની દિલ્હી તરફની કૂચ સુરક્ષા દળો દ્વારા અટકાવવામાં આવી હતી. હરિયાણા સરકારે ફેબ્રુઆરીમાં અંબાલા-નવી દિલ્હી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર નાકાબંધી કરી દીધી હતી જ્યારે ખેડૂતોએ જાહેરાત કરી હતી કે તેઓ તેમના ઉત્પાદન માટે MSPની કાયદેસર ગેરંટી સહિત તેમની માંગણીઓના સમર્થનમાં દિલ્હી સુધી કૂચ કરશે.