48 કલાકમાં ભારત છોડશે શેખ હસીના, જાણો કયા દેશમાં લેશે શરણ?
Sheikh Hasina: બાંગ્લાદેશમાં હિંસા બાદ દેશ છોડીને ભારતમાં આશરો લેનાર પૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીના આગામી 48 કલાકમાં ભારત છોડી યુરોપ જઈ શકે છે. જોકે, તેઓ યુરોપના કયા દેશમાં શરણ લેશે તે અંગે કોઈ ચોક્કસ માહિતી બહાર આવી નથી. આ પહેલા તેમના લંડન જવાની ચર્ચા હતી પરંતુ બ્રિટને તેમને તેમના દેશમાં આવવાની પરવાનગી આપી ન હતી. સાથે જ અમેરિકાએ તેના વિઝા પણ રદ કરી દીધા હતા.
હાલ તો શેખ હસીના ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ પાસે આવેલા હીંડન એરબેઝમાં સેફ હાઉસમાં આશરો લઈ રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર શેખ હસીના યુરોપના કોઈપણ દેશમાં જઈ શકે છે. આ ઉપરાંત અન્ય દેશો સાથે પણ વાતચીત ચાલી રહી છે. એવી પણ ચર્ચા છે કે તે રશિયામાં પણ શરણ લઈ શકે છે.
તો સાથે સાથે એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે ભારત શેખ હસીનાને સંપૂર્ણ સુરક્ષા આપશે અને તેમના જવાની વ્યવસ્થા પણ કરશે. તેની પાછળનું કારણ એ હતું કે જે પ્લેન શેખ હસીનાને ભારતમાં મૂકવા આવ્યું હતું તે બાંગ્લાદેશ એરફોર્સનું હતું અને તે પરત ચાલ્યું ગયું છે. એવામાં તે જે દેશમાં જશે તેની વ્યવસ્થા ભારત કરશે.
ફિનલેન્ડ અથવા રશિયા? ક્યાં જશે શેખ હસીના?
શેખ હસીનાના સુરક્ષિત બહાર નીકળવાની તમામ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. સોમવારે સાંજે ભારત પહોંચેલા હસીના ફિનલેન્ડ અને રશિયા જેવા કેટલાક દેશો સાથે ચર્ચા કરી રહ્યા છે. તેની આગામી વિદેશ યાત્રા પર ભારત તેની સલામત મુસાફરીની વ્યવસ્થા પણ કરશે. અગાઉ તેણે લંડન જવાનું નક્કી કર્યું હતું.