July 27, 2024

આ શેરમાં લિસ્ટીંગથી રોકાણકારો કમાયા 130% રિટર્ન, હવે શું કરવું?

યશ ભટ્ટ,અમદાવાદ: BLS ઈ-સર્વિસીઝ IPOના લિસ્ટીંગ સાથે જે રોકાણકારોને આ શેર IPOમાં મળ્યા છે તેઓ માલામાલ થઈ ગયા. લિસ્ટીંગ સાથે જ આ શેર 129 ટકાના રિટર્ન આપતો જોવા મળ્યો. સારા પ્રિમીયમ સાથે આ શેર લિસ્ટ થયો. NSE પર 305 અને BSE પર 309 રૂપિયા પ્રતિ શેરના ભાવ પર BLS ઈ-સર્વિસીઝનો શેર લિસ્ટ થયો. જેની ઈશ્યુ પ્રાઈઝ માત્ર 135 રૂપિયા પ્રતિ શેર હતી.

પ્રતિ શેર લિસ્ટીંગ ભાવ પ્રમાણે રોકાણકારોને 128.9 રૂપિયાની કમાણી પ્રતિ શેર થઈ છે. નિષ્ણાંતો લગભગ આ જ રિટર્નની આશા રાખી રહ્યા હતા. કારણકે ગ્રે માર્કેટમાં પણ 114 ટકા પ્રિમીયમ પર આ શેર છેલ્લે લિસ્ટીંગના પહેલાના સમયે ચાલી રહ્યો હતો. જોકે ગ્રે માર્કેટના પ્રિમીયમને એટલું મહત્વ ન આપવું જોઈએ. તેમ છતાં તે પ્રિમીયમથી થોડી સ્પષ્ટતા જરૂર મળી હતી.

IPO 311 કરોડ રૂપિયા એકત્ર કરવા માટે લાવવામાં આવ્યો હતો. જે 162.47 ગણો ઓવર સબસ્ક્રાઈબ થયો હતો. 30 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી વચ્ચે IPO ખુલ્યો હતો. જે આ વર્ષનો સહુથી વધુ સબસ્ક્રાઈબ થનાર IPO બની ચુક્યો છે.

બિન સંસ્થાકિય રોકાણકારો જેઓ HNIમાં સમાવિષ્ટ છે. તેઓ આ IPOને સબસ્ક્રાઈબ કરવામાં સહુથી આગળ રહ્યા હતા. આ શ્રેણીમાં તેમણે 300.14 ગણું ઓવર સબસ્ક્રાઈબ કર્યું હતું. સાથે રિટેલ ક્વોટામાં 237 ગણું અને સંસ્થાકિય રોકાણકારોએ 123.3 ગણું ઓવર સબસ્ક્રાઈબ કર્યું હતું. આ IPO સંપુર્ણપણે ફ્રેશ ઈશ્યુ હતો. જેમાં 2.3 કરોડ શેર્સ 129-135 રૂપિયા પ્રતિ શેરના ભાવ પર ઈશ્યુ થયા હતા.

લિસ્ટીંગ બાદ આ શેર 11 વાગ્યા સુધીમાં 141 ટકા ઉછળી ચુક્યો હતો. 325 રૂપિયા પ્રતિ શેર સુધીનો ભાવ અહીં જોવા મળ્યો. BLS ઈ-સર્વિસીઝ વિષે જાણવા જેવું એ કે આ ઈશ્યુથી એકત્રીત કરેલા 97.58 કરોડ રૂપિયા ટેક્નોલોજી ઈન્ફ્રાને વધુ સારું બનાવવા માટે કંપની ખર્ચ કરવાની છે. જેનાથી નવી ક્ષમતા અને હાલના પ્લેટફોર્મને કંસોલિડેટ કરવાનું કામ કરાશે. જે બાદ 74.78 કરોડ રૂપિયાના ખર્ચથી BLS સ્ટોર સેટઅપ કરવાની યોજના છે. આ સાથે 28.71 કરોડ રૂપિયાના ખર્ચે અન્ય અધિગ્રહણ કરવાનો કંપનીનો ઈરાદો છે.

સપ્ટેમ્બર 30, 2023 સુધીમાં કંપનીનો નફો 14.68 કરોડ રૂપિયા રહ્યો હતો, જ્યારે આવક 158.04 કરોડ રૂપિયા રહી હતી. કંપનીના EBITDA માર્જીન 14.23 ટકા રહ્યા હતા. કંપનીની સહુથી વધુ આવક માત્ર એક જ ગ્રાહક પાસેથી થાય છે. SBI પાસેથી કંપનીને સહુથી વધુ આવક થાય છે. જે કુલ આવકના 59.75 ટકા છે.

BLS ઈ-સર્વિસીઝ ડિજીટલ સેવા પુરી પાડે છે. જેમાં મુખ્ય બેંકને બિઝનેસ કોરસપોંડન્સ સેવા આપવામાં આવે છે. આ સિવાય ઈ-સર્વિસીઝ અને ઈ-ગવર્નન્સ જેવી સેવાઓ પણ આ કંપની દ્વારા પુરી પાડવામાં આવે છે.