July 1, 2024

શેર માર્કેટમાં જોરદાર ઉછાળો, સેન્સેક્સ 500 અંક વધ્યો તો નિફ્ટીએ નવો રેકોર્ડ બનાવ્યો

નવી દિલ્હીઃ ભારતીય શેરબજાર સતત નવા રેકોર્ડ બનાવી રહ્યું છે અને સપ્તાહના ત્રીજા ટ્રેડિંગ દિવસે બુધવારે સેન્સેક્સ-નિફ્ટીમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. શેર માર્કેટમાં શરૂઆત ધીમી રહી હતી, પરંતુ એકાદ કલાકના ટ્રેડિંગ બાદ જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. બોમ્બે સ્ટોક એક્સચેન્જના 30 શેરવાળા સેન્સેક્સે 500 પોઈન્ટનો ઉછાળો નોંધાવી ફરી એકવાર 77,000ના આંકને વટાવી દીધો છે. તો નેશનલ સ્ટોક એક્સચેન્જ નિફ્ટી 50 ઓલટાઇમ હાઈ લેવલે પહોંચ્યો છે.

બીએસઈનો સેન્સેક્સ તેના ગયા ટ્રેડિંગ દિવસે મંગળવારે 76,456.59ના અંકે બંધ હતો, ત્યાંથી વધીને 9.15 વાગ્યે 76,679.11 પર ખૂલ્યો હતો અને એક કલાકના બજાર ટ્રેડિંગ પછી આંકડો સતત વધતો રહ્યો હતો. અંતે ઇન્ડેક્સ ફરી એકવાર 77,000ની સપાટીને પાર કરી ગયો હતો. સમાચાર લખાય છે ત્યાં સુધી, BSE સેન્સેક્સ 500થી વધુ પોઈન્ટના ઉછાળા સાથે 77,050.53ના સ્તરે ટ્રેડ કરી રહ્યો હતો અને આ આંકડો સેન્સેક્સ 77,079.04ના ઓલ ટાઈમ હાઈની ખૂબ નજીક છે.

આ પણ વાંચોઃ ગુજરાત બન્યું ડ્રગ્સનું હબ, સતત ચોથા દિવસે કરોડોનું ચરસ ઝડપાયું

સેન્સેક્સ સાથે ગતિ જાળવી રાખતા નિફ્ટીએ પણ ધીમી શરૂઆત બાદ જોરદાર ઉછાળો નોંધાવ્યો હતો. 176 પોઈન્ટના વધારા સાથે 23,440.85ની નવા ઓલ ટાઈમ હાઈ લેવલને સ્પર્શ્યો હતો. NSE ઇન્ડેક્સે તેના અગાઉના 23,264.85ના બંધ સ્તરની તુલનામાં 23,344.45ના સ્તરે ટ્રેડિંગ શરૂ કર્યું અને એક કલાકની અંદર નવો રેકોર્ડ બનાવ્યો હતો.

આ પણ વાંચોઃ જો બાઇડનનો દીકરો ગેરકાયદેસર હથિયાર મામલે દોષિત, રાષ્ટ્રપતિ બોલ્યા – ન્યાયિક પ્રકિયાનું સન્માન કરીશ

સમાચાર લખાય છે ત્યાં સુધી, સવારે 11 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જ એટલે કે BSEના 30માંથી 25 શેર ઉછાળા સાથે લીલા નિશાન પર ટ્રેડ કરી રહ્યા હતા, જ્યારે પાંચ શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો. પાવરગ્રીડ શેર (1.67%) અને ટેક મહિન્દ્રા (1.61%) લાર્જકેપ કંપનીઓમાં સૌથી વધુ ઉછાળો રહ્યો હતો. આ સિવાય ટાટા સ્ટીલ, એચસીએલ ટેક, એચડીએફસી બેંક શેર મજબૂત ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા.

મિડકેપ કંપનીઓમાં મેક્સહેલ્થ શેર 5.07%, LIC હાઉસિંગ ફાઇનાન્સ શેર 5.30%, કોનકોર શેર 4.83%, IOB શેર 3.35% વધીને ટ્રેડ થઈ રહ્યા હતા. સ્મોલ કેપ કંપનીઓની વાત કરીએ તો DBOL શેર 10.69%, એશિયન ટાઇલ્સ શેર 10.45%, ક્રેવિટા શેર 10.14%, કિર્લોસ્કર બ્રધર્સ 10%, PDSL શેર 9.34%, રિલાયન્સ પાવર 9.17% શેર બજારમાં મજબૂતી બતાવી રહ્યા હતા.

(નોંધ- શેરબજારમાં કોઈપણ રોકાણ કરતા પહેલાં તમારા બજાર નિષ્ણાતની સલાહ ચોક્કસ લો)