December 23, 2024

શેરબજારની શરૂઆતમાં સેન્સેક્સ 80,700થી વધુ તો નિફ્ટી 24,650 નજીક, ઝોમેટોમાં બ્લોક ડીલ

અમદાવાદઃ વૈશ્વિક બજારમાં સકારાત્મક રૂઝાન અને છૂટક રોકાણકારોની તરફથી સતત રોકાણથી બેંચમાર્ક ઇક્વિટી સૂચકાંક સેન્સેક્સ અને નિફ્ટી મંગળવારની શરૂઆતે ખૂબ મજબૂત રહ્યા હતા. 30 શેરવાળા બીએસઈ સેન્સેક્સની શરૂઆતમાં 338.21 અંક વધીને 80,762.89એ ખૂલ્યો હતો.

એનએસઈ નિફ્ટી 87.65 અંક વધીને 24,660.30 પર પહોંચી ગયો હતો. સેન્સેક્સની 30 કંપનીમાં ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ, ઇન્ડઇન્ડ બેંક, એનટીપીસી, એક્સિસ બેંક, અલ્ટ્રાટેક સિમેન્ટ, પાવર ગ્રિડ, ઇન્ફોસિસ અને બજાજ ફિનસર્વમાં વધારો જોવા મળ્યો હતો.

આજે BSE સેન્સેક્સ 297.86 પોઈન્ટ અથવા 0.37 ટકાના વધારા સાથે 80,722.54 પર ખુલ્યો હતો, જ્યારે ગઈકાલે તે 80,424.68 પર બંધ થયો હતો. NSEનો નિફ્ટી 76.25 પોઈન્ટ અથવા 0.31 ટકાના વધારા સાથે 24,648.90 પર ખુલ્યો હતો. સોમવારે નિફ્ટી 24,572.65 પર બંધ થયો હતો.

BSE સેન્સેક્સના 30 શેરોમાંથી 25માં વધારો અને માત્ર 5માં ઘટાડો જોવા મળી રહ્યો છે. જ્યારે નિફ્ટીના 50માંથી 34 શેરોમાં વધારો જોવા મળી રહ્યો છે અને 16 શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સના ટોચના 5 શેરોમાં TCS સૌથી વધુ ઉછળ્યો છે અને આજે તે અત્યાર સુધીના સૌથી વધુ સ્તરે પહોંચ્યો છે. તેની પાછળ ઈન્ડસઈન્ડ બેંક, અલ્ટ્રાટેક સિમેન્ટ, ટાટા મોટર્સ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને ટાટા સ્ટીલના શેરમાં મજબૂતી છે. સેન્સેક્સના ટોચના 5 લાભકર્તાઓમાં ટાટા જૂથના ત્રણ શેર છે. BPCLનો શેર 2.33 ટકાના વધારા સાથે નિફ્ટીમાં ટોચ પર છે.

વધતા અને ઘટતા શેરનું અપડેટ
શરૂઆતના કારોબારમાં NSE નિફ્ટીમાં 1500 શેરમાં વધારો જોવા મળી રહ્યો છે. BSE પર 3166 શેરનો વેપાર થઈ રહ્યો છે, જેમાંથી 2122 શેર વધી રહ્યા છે. 927 શેરમાં ઘટાડો છે અને 117 શેરમાં કોઈ ફેરફાર થયો નથી. 154 શેર પર અપર સર્કિટ લાદવામાં આવી છે અને 163 શેર તેમની 52 સપ્તાહની ટોચે ટ્રેડ થઈ રહ્યા છે.

Zomatoમાં મોટો બ્લોક ડીલ-શેરમાં થોડો ઘટાડો
આજે ઝોમેટોમાં 21.49 કરોડ શેરમાં મોટો વેપાર થયો છે અને આ મોટા વેપારનું મૂલ્ય રૂ. 5563 કરોડ આંકવામાં આવ્યું છે. આ બ્લોક ડીલ કુલ 2.49 ટકા શેર માટે હતી અને ત્યારપછી Zomatoનો શેર ઘટીને 260 રૂપિયા થઈ ગયો છે. હાલમાં તેમાં 0.73 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે.