December 17, 2024

શારદીય નવરાત્રિનો આજથી શુભારંભ, જાણી લો કળશ સ્થાપનનું મુહૂર્ત અને વિધિ

Shardiya Navratri 2024: હિન્દુ ધર્મમાં, નવરાત્રી દરમિયાન માતા દુર્ગાના 9 સ્વરૂપોની પૂજા કરવી વિશેષ ફળદાયી માનવામાં આવે છે. દર વર્ષે 4 નવરાત્રિ આવે છે. જેમાં બે ગુપ્ત નવરાત્રી, ચૈત્ર નવરાત્રી અને શારદીય નવરાત્રીનો સમાવેશ થાય છે. પ્રકાંડ પંડિતોના જણાવ્યા અનુસાર, આ વર્ષે શારદીય નવરાત્રિની પ્રતિપદા તિથિ 2 ઓક્ટોબર, 2024ના રોજ રાત્રે 11:13 વાગ્યે શરૂ થશે અને બીજા દિવસે 3 ઓક્ટોબરે બપોરે 1:19 વાગ્યે સમાપ્ત થશે. તેથી, ઉદયતિથિ અનુસાર, શારદીય નવરાત્રિ 3જી ઓક્ટોબરથી શરૂ થશે અને 12 ઓક્ટોબરના રોજ સમાપ્ત થશે. આ વર્ષે મા દુર્ગાનું આગમન અને પ્રસ્થાન બંને કષ્ટદાયક મનાઈ રહ્યું છે. દેવી ભગવતી આ વર્ષે ડોલી પર સવાર થઈને આવશે અને હાથી પર બેસીને પ્રસ્થાન કરશે. માનવામાં આવે છે કે જે વર્ષમાં દેવી માતા ડોલી પર સવાર થઈને આવે છે, ત્યારે દેશમાં રોગ, શોક અને કુદરતી આફતનો સામનો કરવો પડી શકે છે. તો, હાથી પર પ્રસ્થાન એ અતિશય વરસાદની નિશાની માનવામાં આવે છે. ચાલો જાણીએ કળશની સ્થાપનાનો સમય, સામગ્રી અને વિધિ.

કળશ સ્થાપનાનું મુહૂર્ત:
શારદીય નવરાત્રીના પ્રથમ દિવસે કળશની સ્થાપના કરવામાં આવે છે. આ વર્ષે, કળશ સ્થાપન માટે 3જી ઓક્ટોબરના રોજ સવારે 06.07 થી 9.30 સુધીનું મુહૂર્ત શુભ છે. ત્યારબાદ, સવારે 11:37 થી 12:23 સુધી અભિજીત મુહૂર્તમાં કળશ સ્થાપિત કરી શકાય છે.

કળશ સ્થાપના માટેની સામગ્રી:
હિંદુ ધર્મમાં તમામ શુભ કાર્યોમાં કળશ સ્થાપિત કરવાનું ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તેને સુખ, સમૃદ્ધિ અને ઐશ્વર્યનું પ્રતીક માનવામાં આવે છે. નવરાત્રિ દરમિયાન કળશની સ્થાપના માટે કળશમાં પાણી, પાનના પત્તા, અક્ષત, કુમકુમ, આંબાના પાન, મોલી, રોલી કેસર, દુર્વા-કુશ, સોપારી, ફૂલ, સૂતર, નારિયેળ, અનાજ, લાલ કપડું, જુવાર, 1-2 રૂપિયાના સિક્કા વગેરેનો ઉપયોગ થાય છે.

કળશ સ્થાપનની વિધિ:

  • નવરાત્રિના પહેલા દિવસે કલશ સ્થાપિત કરતી વખતે સૌ પ્રથમ તમામ દેવી-દેવતાઓનું આહ્વાન કરવું.
  • એક મોટા માટીના વાસણમાં માટી નાખો અને તેમાં જુવારના બીજ નાખો. ત્યારબાદ, બધી માટી અને બીજ ઉમેરો અને પાત્રમાં થોડું પાણી છાંટો.
  • હવે ગંગા જળથી ભરેલા કળશ અને જ્વારાના પાત્ર મૌલી બાંધો. પાણીમાં સોપારી, દુર્વા, અક્ષત અને સિક્કો પણ મુકો.
  • હવે કલશના કિનારાઓ પર આંબાના 5 પાન મૂકો અને કલશને ઢાંકણ વડે ઢાંકી દો.
  • એક નારિયળ લઈને તેના ઉપર લાલ કપડું અથવા ચુંદડીથી લપેટી લો. નાળિયેર પર મોલી બાંધો.
  • ત્યારબાદ, કલશ અને જ્વારા સ્થાપિત કરવા માટે સૌથી પહેલા જમીનને સારી રીતે સાફ કરો.
  • જુવાર વાળું વાસણ મૂકી, તેની ઉપર કલશ સ્થાપિત કરો અને પછી કળશના મુખ પર નારિયેળ મૂકો.
  • ત્યારબાદ તમામ દેવી-દેવતાઓને આહ્વાન કરીને નવરાત્રિની વિધિવત પૂજા શરૂ કરો.
  • કલશ સ્થાપિત કર્યા બાદ તેને નવ દિવસ સુધી મંદિરમાં સવાર-સાંજ જરૂર મુજબ પાણી નાખતા રહેવું.
જરૂરી સૂચના: આ આર્ટીકલમાં આપવામાં આવેલ માહિતીના સાતત્યને લઈને ન્યૂઝ કેપિટલ કોઈ દાવો કરતું નથી. આર્ટીકલમાં આપવામાં આવેલ માહિતી અને વિધિને અનુસરતા પહેલા તમારા નિષ્ણાંત પંડિતની સલાહ અચૂક લેવી.