November 22, 2024

‘ભ્રષ્ટાચારના સરગના’ નિવેદનને લઈને ભડક્યા શરદ પવાર, શાહને અપાવી તડીપાર કરાયાની યાદ

Sharad Pawar: NCP (SP) પ્રમુખ શરદ પવારે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને તેમના નિવેદનને લઈને વળતો પ્રહાર કર્યો છે. વાસ્તવમાં, અમિત શાહે બે દિવસ પહેલા શરદ પવારને લઈને નિવેદન કરતાં તેમને રાજનીતિમાં ભ્રષ્ટ્રાચારના સરગના ગણાવ્યા હતા. હવે શરદ પવારે અમિત શાહને પલટવાર કર્યો છે. શરદ પવારે કહ્યું છે કે આશ્ચર્યની વાત છે કે એક વ્યક્તિ જેને સુપ્રીમ કોર્ટ દ્વારા ગુજરાતથી તડીપાર કરવામાં આવ્યા હતા તે આજે દેશનું એક મહત્વનું મંત્રાલય સંભાળી રહ્યો છે.

શરદ પવારે યાદ અપાવી તડીપાર કરાયાની યાદ
શરદ પવારે કહ્યું કે, ‘થોડા દિવસો પહેલા ગૃહમંત્રી અમિત શાહે મારા વિરુદ્ધ નિવેદન આપ્યું હતું અને કેટલીક વાતો કહી હતી. તેમણે કહ્યું હતું કે શરદ પવાર દેશના ભ્રષ્ટ લોકોના કમાન્ડર છે. નવાઈની વાત એ છે કે એક એવી વ્યક્તિ દેશનો ગૃહમંત્રી છે જેને દેશના કાયદાના દુરુપયોગ માટે સુપ્રીમ કોર્ટે ગુજરાતથી તડીપાર કરી દીધા હતા!

વર્ષ 2010માં અમિત શાહને કરાયા હતા તડીપાર
NCP (SP)ના પ્રમુખ શરદ પવારે કહ્યું, ‘જે વ્યક્તિને તડીપાર કરવામાં આવ્યા હતા તે આજે દેશના ગૃહમંત્રી છે. એવામાં આપણે વિચારવું જોઈએ કે આપણે કઈ દિશામાં જઈ રહ્યા છીએ. તેઓ દેશને ખોટી દિશામાં લઈ જઈ રહ્યા છે અને આપણે આ તરફ ધ્યાન આપવાની જરૂર છે. મહત્વનું છે કે અમિત શાહને સોહરાબુદ્દીન શેખ એન્કાઉન્ટર કેસમાં 2010માં ગુજરાતમાંથી બે વર્ષ માટે તડીપાર કરવામાં આવ્યા હતા. જો કે બાદમાં વર્ષ 2014માં તેમણે આ કેસમાં નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા.

અમિત શાહે પવાર પર લગાવ્યા હતા ગંભીર આરોપો
ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા જ પુણેમાં એક કાર્યક્રમ દરમિયાન અમિત શાહે શરદ પવાર પર આકરા પ્રહારો કર્યા હતા. અમિત શાહે શરદ પવારને દેશમાં ભ્રષ્ટ લોકોના સરગના ગણાવ્યા હતા. અમિત શાહે કહ્યું હતું કે ‘વિપક્ષ અમારા પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવે છે, પરંતુ દેશની રાજનીતિમાં ભ્રષ્ટાચારના સૌથી મોટા કિંગપિન શરદ પવાર છે. જો કોઈ રાજકારણીએ સરકારમાં ભ્રષ્ટાચારને સંસ્થાગત કર્યું હોય તો તે તે શરદ પવાર હતા અને મને આ કહેવામાં કોઈ સંકોચ નથી. તેઓ શું હવે તમે અમારા પર આરોપ લગાવી રહ્યા છો?