January 3, 2025

ડાકોર નજીક આવેલા શનિદેવના મંદિરમાં શનિદેવની મૂર્તિને ખંડિત કરાતા લોકોમાં રોષ

ખેડા: રાજ્યની શાંતિને ભંગ કરવા અને કોમી એખલાસને ડહોળવા માટે કેટલાક અસાજીક તત્વો અવારનવાર એવા કૃત્યોને અંજામ આપે છે કે લોકોની ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચે. સુરતમાં ગણેશ પંડાલમાં થયેલા પથ્થરમારાની ઘટના હજુ શાંત પડી નથી ત્યાં ડાકોર નજીક આવેલા શનિદેવના મંદિરમાં શનિદેવની મૂર્તિને ખંડિત કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે.

ડાકોર નજીક આવેલા પુલ્હાઆશ્રમ સામે આવેલા શનિદેવના મંદિરમાં શનિદેવની મૂર્તિને ખંડિત કરવાની ઘટના ગત મોડી રાત્રે બની હતી. અહીં કોઈ અસામાજિક તત્વો દ્વારા મૂર્તિને ખંડિત કરવામાં આવતા લોકોમાં રોષની લાગણી ફેલાઈ હતી. આજે વહેલી સવારે પૂજારી પૂજા કરવા ગયા ત્યારે આ ઘટના વિશે તેમને જાણ થઈ હતી. જે બાદ ઘનાની જાણકારી ડાકોર પોલીસને આપવામાં આવી હતી. જે બાદ ઘટનાની ગંભીરતાને જોતા પોલીસ કાફલો શનિદેવ મંદિરે પહોંચ્યો હતો.

પુલ્હાઆશ્રમ પાસે આવેલ શનિદેવની મૂર્તિને ખંડિત કરી દાન પેટીની પણ ચોરી કરવામાં આવી હોવાની માહિતી સામે આવી છે. મંદિર ટ્રસ્ટીઓના જણાવ્યા પ્રમાણે દાન પેટીમાં વધારે ભેટ આવતી નહોતી. દાનપેટીમાં આશરે હજાર રૂપિયા હોવાની ટ્રસ્ટીઓએ પોલીસને માહિતી આપી હતી. ઘટના બાદ ખેડા એસપી રાજેશ ગઢીયા દ્વારા મંદિરની મુલાકાત લેવામાં આવી હતી. મંદિરના ટ્રસ્ટ દ્વારા ડાકોર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરાઈ છે. ત્યાં જ એલ.સી.બી, એસ.ઓ.જી અને લોકલ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અને આરોપીને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે.