શામળાજીમાં જન્માષ્ટમીની તૈયારી શરૂ, હજારો ભક્તો ઉમટ્યાં
સંકેત પટેલ, અરવલ્લીઃ યાત્રાધામ શામળાજીમાં આવતી કાલે શ્રીકૃષ્ણ જમાષ્ટમીની ઉજવણી માટે મંદિર ટ્રસ્ટ દ્વારા તડામાર તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. ત્યારે વ્હાલાના વધામણાં માટે હજારો ભક્તો યાત્રાધામમાં ઉમટી કૃષ્ણ ભક્તિમાં રંગાશે અને મંદિર ‘નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલકી’ના નાદે ગુંજી ઉઠશે.
સમગ્ર રાજ્યના કૃષ્ણ મંદિરોમાં આવતી કાલે ભગવાન શ્ કૃષ્ણના જન્મનો તહેવાર જન્માષ્ટમી મહોત્સવ ભાવ અને શ્રદ્ધાપૂર્વક ઉજવવામાં આવશે. ત્યારે યાત્રાધામ શામળાજીમાં પણ આ તહેવાર ભાવ અને શ્રદ્ધાપૂર્વક ઉજવવામાં આવશે. જે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા તડામાર તૈયારીઓના ભાગરૂપે મંદિરને આસોપાલવ, કેળ , વાંસ અને આંબાના પાનના તોરણો બાંધી શણગાર કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત મંદિરને લાઇટોની રોશનીથી પણ શણગારવામાં આવ્યું છે.
જન્માષ્ટમીના પાવન અવસરે ભગવાનના નિજ મંદિરને અમદાવાદના ખાસ રામી કલાકરો દ્વારા જુદા જુદા ફૂલોનો ઉપયોગ કરી શણગારવામાં આવશે. જેમાં 100 કિલોથી વધુ ફૂલોનો ઉપયોગ કરશે. જન્માષ્ટમી નિમિત્તે ભગવાન શામળિયા માટે વિશેષ કિંમતના વાઘા તૈયાર કરવામાં આવ્યા છે, જે વસ્ત્રો ભગવાનને પહેરાવી શણગાર કરાશે.
શામળાજીમાં જન્માષ્ટમીની ઉજવણી ગામના યુવાનો દ્વારા પણ દબદબાપૂર્વક કરવા માટે સમગ્ર ગામ સહિત બજારને આસોપાલવ અને 100થી વધુ મટકી બાંધી શણગાર કરાશે. જ્યારે સવારે 10 વાગ્યા બાદશ્રી કૃષ્ણ ભગવાનની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવશે. જેમાં 200 કિલો અબીલ ગુલાલ ઉડાડવામાં આવશે. વાજતે ગાજતે બેન્ડની સુરાવલી વચ્ચે નીકળનારી શોભાયાત્રામાં હજારો ભક્તો જોડાશે. ત્યારે સંપૂર્ણ વાતાવરણ અબીલ ગુલાલના રંગે રંગાઈ જઈ હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલકીના નાદે ગુંજી ઉઠશે જે માટે પણ યુવાનો તૈયારીમા લાગી ગયા છે.
દિવસ વીત્યા બાદ સાંજે ભગવાનનો જન્મોત્સવ એટલે કે સાંજથી રાત્રીએ વ્હાલાના વધામણા સુધી મંદિર પરિસરમાં ભજન સંધ્યાનું પણ આયોજન કર્યું છે. જેમાં અમદાવાદના જુદા જુદા ભજનિક કલાકરો દ્વારા કૃષ્ણ ભક્તિ ઉપર ભજનોની રમઝટ બોલાવી લોકોને કૃષ્ણમય બનાવશે. જન્માષ્ટમીના પાવન પર્વે ભગવાન શામળિયાના દર્શન તમે આ સમયે કરી શકશો, એ માટે મંદિર ટ્રસ્ટે શાંતિથી દર્શન માટે વ્યવસ્થા કરી છે.
- મંદિર ખૂલશે – સવારે 6 કલાકે
- મંગળા આરતી – સવારે 6.45 કલાકે
- શણગાર આરતી – સવારે 8.30 કલાકે
- રાજભોગ ધરાવશે – સવારે (મંદિર બંધ) 11.30 કલાકે
- મંદિર ખૂલશે રાજભોગ આરતી – બપોરે 12.15 કલાકે
- મંદિર બંધ – બપોરે 12.30 કલાકે
- મંદિર ખુલશે – બપોરે 2.15 કલાક
- સંધ્યા આરતી – સાંજે 7.15 કલાકે
- શ્રીકૃષ્ણ જન્મોત્સવ – રાત્રે 12 કલાકે
- જન્મોત્સવ મહાઆરતી – રાત્રે 12.30 કલાકે
- મહાભોગ રાત્રે – 12.45 કલાકે
- શયન આરતી – રાત્રે 1.00 કલાકે
- મંદિર મંગલ – રાત્રે 1.15 કલાકે