January 15, 2025

શક્તિસિંહ ગોહિલે વેક્સિનને લઈ સરકાર પર ઉઠાવ્યા સવાલ

લોકસભા ચૂંટણી: એક તરફ લોકસભા ચૂંટણીની દરેક પક્ષ તડામાર તૈયારીઓ કરી રહ્યું છે તો બીજી તરફ આજે દરેક પક્ષ એકબીજા પર આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરી રહ્યા છે. આ વચ્ચે આજે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પ્રેસ કોન્ફરન્સ કરી ગુજરાતના સ્થાપના દિવસની નાગરિકોને શુભેચ્છા પાઠવી છે અને સાથે જ કોવિશીલ્ડ મુદ્દે સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો.

કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કહ્યું હતું કે પક્ષથી ઉપર પ્રજાનો અવાજ એ ભાવના સાથે જનઆંદોલન અને ચડવળ ચાલી છે. સાથે જ લડતમાં જોડાયેલા અને શહીદ થયેલા મહાનુભાવોને શ્રદ્ધા સુમન અર્પણ કરુ છું. આ લડતમાં રહેલા નેતાઓમાંથી મોટા ભાગના નેતાઓ કોંગ્રેસમાં જોડાયા હતા જેનું મને ગર્વ છે. સાથે તેમણે કહ્યું હતું કે આજે એક ગંભીર મુદ્દા પર મારે વાત કરવી છે. માણસનું જીવન અમુલ્ય છે. કોરોનાકાળ આવ્યો અને સમગ્ર વિશ્વ ચિંતિત બન્યુ હતુ. કોરોના માટે વેક્સિન આવી અને વેક્સિનની આડઅસર ચકાસવાનો સમય ન હોવાથી વેક્સિન આપવાની શરૂઆત થઈ. જેને લઇને તેમણે અનેક સવાલો ઉઠાવ્યા છે.

શક્તિસિંહ ગોહિલે કહ્યું કે WHOએ કહ્યું કે આડઅસર ચેક કરવા માટે સમય નથી પણ દરેક દેશ પોતાની વેક્સિનનું રિસર્ચ કરી ડેટા રાખે. દુનિયાભરના દેશોએ રિસર્ચ અને ડેટા રાખવાનું શરૂ કર્યુ . અન્ય દેશોની સામે ભારત દેશે કોઈ ડેટા કે રિસર્ચ ન કર્યુ. સપ્ટેમ્બર ૨૦૨૩માં WHOએ ઈમરજન્સી ગાઈડલાઈન ઈશ્યૂ કરી હતી કે વેક્સિનની આડઅસરમાં બ્રેન સ્ટોક, લોહીના ગઠ્ઠા, હાર્ટ એટેક જેવી આડઅસર થતી હોવાની વાત કરી હતી. ગાઈડલાઈન બાદ પણ ભારત સરકારે કોઈ ડેટા એકઠા ન કર્યા. દેશમાં આવી ઘટનાઓ વધવા લાગી છે. ત્યારે મે રાજ્યસભામાં ઝીરો અવર્સની નોટિસ આપી ચર્ચાની માગ કરી હતી. ઝીરો અવર્સની નોટિસ સમજવી જોઈતી હતી. પણ ભારત સરકારના પેટનું પાણી ન હલ્યું.

વધુમાં તેમણે કહ્યું કે સપ્ટેમ્બર ૨૦૨૩માં WHOની એડવાઈઝરી બાદ પણ કેમ ડેટા એકઠો નથી કરાયો. ભારતમાં 205 કરોડ કોવિશીલ્ડના ડોઝ અપાયા તો ગુજરાતમાં ૧૦.૫૩ કરોડ કોવિશીલ્ડના ડોઝ અપાયા. ફ્રી માં વેક્સિન આપવાનું કહી પોલિટિકલ ફાયદો લીધો છે. આપણો દેશ ગૌરવ લઈ શકે તેવી CRI કે જે 118 વર્ષ જૂની છે જે વેક્સિન બનાવી પ્રોડ્યુસ કરે છે જે ભારત સરકારની જ છે. બીજા વિશ્વયુદ્ધ વખતે CRIમાંથી જે વેક્સિન ગઈ તેની વિશ્વભરમાં પ્રશંસા થઇ. લીયો, શિતળા જેવી રસીઓનું પ્રોડ્ક્શન CRIએ કર્યુ હતુ પણ કોરોના આવ્યો ત્યારે ઈગ્લેન્ડની કંપનીએ કહ્યું કે શોધ અમે કરી પણ પ્રોડ્કશન થાય એવુ નથી એ સ્થિતીમાં ભારત સરકારે પ્રોડક્શન CRIને આપવાની હતી. પરંતુ ભારત સરકારે સિરમ ઈન્સ્ટિટ્યુટને આપ્યું. સિરમ ઈન્સ્ટિટ્ટયુટને શા માટે કામ અપાયુ એ સવાલ છે.

આ સિવાય તેમણે કહ્યું કે સરકારે ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે સિરમને ૩૦૦૦ કરોડ રૂપિયા આપ્યા અને ૧૫૦૦ કરોડ ભારત બાયોટેકને એડવાન્સમાં આપ્યા છે. રાહુલ ગાંધીએ ટ્વિટ કરી ડેટા એકઠા કરવા કહ્યું તો બીજેપીની ટ્રોલ આર્મીએ સવાલો કર્યા હતા. કોવિશીલ્ડની કિંમત અંગે પણ રાહુલ ગાંધીએ સવાલો ઉઠાવ્યા હતા પણ કોઈએ કશુ કર્યુ નહીં. વેક્સિન બનાવનાર કંપનીઓએ સીધા અને છુપા રસ્તે બીજેપીને કેટલુ ધન આપ્યુ છે તેનો જવાબ આપે. જેટલુ ધન કંપનીઓએ બીજેપીને આપ્યુ એ ધન સરકારમાં જમા કરાવી જે લોકોના મૃત્યુ થયા છે તેમના પરિવારને આપી દેવુ જોઈએ. શક્તિસિંહે આક્ષેપ કરતા કહ્યું કે આ ગુનાહિત બેદરકારી છે તેમજ રાજકીય પક્ષ તરીકે અમારી સૌથી મોટી અદાલત જનતા છે. આ મામલે IPC કલમ 304 લાગુ થઈ શકે છે

સરકારને તમે જાણો છો કે અમિત શાહનો એડિટ વીડિયો વાયરલ થાય તો કાર્યવાહી થાય પરંતુ અમારા નેતાઓના રોજ આવા એડિટેડ વીડિયો વાયરલ થાય અને લેખિત ફરિયાદ આપીએ છતા કાર્યવાહી નથી થતી. વેક્સિન બનાવતી ખાનગી કંપનીઓ માટે સરકારે ઢાલ બનીને કાર્ય કર્યુ છે. વેક્સિનની આડઅસર થઈ એ સમજી શકાય પરંતુ એક કરોડે 10 લોકોને પણ અસર થાય તો શું સરકારે ડેટા કલેક્શન કરવાની જરૂર નહોતી ?