May 13, 2024

શક્તિસિંહ ગોહિલનો પલટવાર – ભાજપે રાજપૂતોમાં ભાગલા પડાવ્યાં

અમિત રુપાપરા, સુરતઃ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલ અને રાજ્યગૃહ મંત્રી હર્ષ સંઘવીએ આપેલા નિવેદન અને કરેલી પોસ્ટ અંગે કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલ દ્વારા પલટવાર કરવામાં આવ્યો છે. કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે મોટું નિવેદન આપતા જણાવ્યું હતું કે, ભાજપે રાજપૂતોમાં ભાગલા પડાવ્યા છે. દીકરીઓનું અપમાન કર્યું છે. અહંકાર કર્યો, જેમાં મહત્વનો રોલ ભાજપ અધ્યક્ષનો રહ્યો છે. આ એ જ કોંગ્રેસ પાર્ટી છે, જે એકતા કરવાનું કામ કર્યું છે. સીઆર પાટીલે વીડિયોની વાત કરી છે. ત્યારે આ વીડિયોની મારે વાત કરવી છે. દેશને લૂંટવાવાળાઓ અંગ્રેજોનો રાજા-રજવાડાંઓ સાથે અનેરો સબંધ હતો, તેવું વડાપ્રધાને સંસદમાં કહ્યું હતું. જેનો ખુલાસો ભાજપ પહેલા કરે.

સુરત પ્રવાસે આવેલા કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે પાટીલના નિવેદન સામે પલટવાર કરતા જણાવ્યું છે કે, ‘ભાજપે રાજપૂતોમાં ભાગલા પડાવ્યા છે.બેન-દીકરીઓનું અપમાન કર્યું છે. અહંકાર કર્યો, જેમાં મહત્વનો રોલ ભાજપ અધ્યક્ષનો રહ્યો છે. આ એ જ કોંગ્રેસ પાર્ટી છે, જે એકતા કરવાનું કામ કર્યું છે. સીઆર પાટીલે વીડિયોની વાત કરી છે, ત્યારે આ વીડિયોની મારે વાત કરવી છે. દેશને લૂંટવવાળા અંગ્રેજોનો રાજા-રજવાડાંઓ સાથે અનેરો સંબંધ હતો, તેવું વડાપ્રધાને સંસદમાં કહ્યું હતું. જેનો ખુલાસો ભાજપ પહેલા કરે.’

તેઓ વધુમાં કહે છે કે, ‘વીડિયો ખોટી રીતે બનાવવામાં આવ્યો હોય તો મને જેલમાં મોકલી દેજો. દેશની આઝાદી માટે મહાત્મા ગાંધીએ લડત લડી હતી. 1857નો બળવો જોવા જઈએ તો અનેક મહારાજા જેલમાં ગયા હતા. રાજા મહારાજા અંગે ભાજપ ખુલાસો કરે. રાજા મહારાજા એક જ્ઞાતિના નહોતા. રાજા મહારાજા અનેક જ્ઞાતિના રજવાડાઓ હતા. ભીલ અને આદિવાસી જ્ઞાતિના પણ રાજા હતા. રાહુલ ગાંધીના નિવેદન પર ભાજપ રાજનીતિ કરવા નીકળી છે.’

તેમને વધુમાં જણાવ્યું હતું કે, ભાજપના ઉમેદવારે સમગ્ર દેશમાં માં-દીકરીઓનું અપમાન કર્યું છે. દરેક જ્ઞાતિનાં લોકોમાં રોષ છે. રાહુલ ગાંધી પર ખોટી વાતો અને ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે. ભાજપ વિરુદ્ધ આક્રોશ ફેલાયો છે, જેથી ભાજપ ખોટી અફવાઓ અને ભ્રમ ફેલાવવાનું કાર્ય ન કરે. આ ઉપરાંત શક્તિસિંહ ગોહિલ દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું હતું કે, દેશની આઝાદીમાં મહારાજાઓએ સરદાર વલ્લભભાઈ પટેલને રજવાડા સમર્પિત કર્યા હતા અને તેમાં સૌથી પહેલું રજવાડું મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ રાજ્યને આપ્યું હતું. ત્યારબાદ કોંગ્રેસે તેમનું સન્માન કરી તેમને મદ્રાસના ગવર્નર બનાવ્યા હતા, હવે જ્યારે ભાજપ વિરુદ્ધ આક્રોશ ફૂટ્યો છે ત્યારે ભાજપ જૂઠ્ઠાણું ચલાવી રહ્યું છે.

આ ઉપરાંત શક્તિસિંહ ગોહિલ દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું હતું કે, જૂનાગઢના ભાજપના જિલ્લા પ્રમુખે દિવ્યાંગોનું અપમાન કર્યું છે. એવી ભાષા બોલવામાં આવી છે કે એ હું કેમેરા સામે બોલી શકતો નહીં. શિશુપાલના ગુના વધ્યાં ત્યારે ભગવાન કૃષ્ણએ તેનો વધ કર્યો હતો અને રૂપાલાએ ન માત્ર ક્ષત્રિય સમાજનું પરંતુ અગાઉ લેઉવા પાટીદાર સમાજનું તેમજ એક સભામાં ભરવાડ સમાજને લઈને પણ બેફામ નિવેદનો કર્યા હતા. તે સમયે ભાજપે પણ તેને ટેકો આપ્યો હતો. ભાજપને ગુજરાતના તમામ જાતિ ધર્મના લોકો સમક્ષ શીખવાડશે ગુજરાત અને દેશની જનતા 400 નહીં પરંતુ તેમને તડીપાર કરશે.