December 23, 2024

Video-શાકિબ અલ હસનની ગુંડાગીરી…ચૂંટણી જીત્યા બાદ ફેનને ઝીંક્યો લાફો!

બાંગ્લાદેશનો શાકિબ અલ હસન વિવાદોને લઇને ચર્ચામાં રહે છે. બાંગ્લાદેશમાં ચૂંટણીને લઇને ક્રિકેટર છેલ્લા ઘણા દિવસથી ચર્ચામાં હતો. બાંગ્લાદેશના સ્ટાર ક્રિકેટરે મગુરા-1 મતદારક્ષેત્રની ચૂંટણી લડી અને જીતી લીધી, પરંતુ પરિણામની બરાબર પહેલા એક ફેનને થપ્પડ મારી દીધો હતો. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ચૂંટણીના દિવસે શાકિબને એક પોલિંગ બૂથ પર ચાહકોની મોટી ભીડનો સામનો કરવો પડ્યો હતો. આ દરમિયાન તેને ગુસ્સાનો પાર ન રહ્યો અને ફેનને લાફો મારી દીધો હતો.

મળતી માહિતી અનુસાર ક્રિકેટર પોતાનો મત આપવા આવ્યા હતા. ભીડમાંથી એક પ્રશંસકે તેને પાછળથી પકડી લીધો, જેના કારણે ક્રિકેટ સ્ટાર પોતાનો ગુસ્સો ગુમાવી બેઠો. વીડિયોમાં, શાકિબે પાછળ ફરીને ફેનને જોરથી થપ્પડ મારી હતી. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વીડિયો મતદાનના દિવસે સામે આવ્યો છે. જ્યારે અન્ય લોકોનું કહેવું છે કે આ એક અઠવાડિયા પહેલાનો વીડિયો છે. પરંતુ હાલ આ વીડિયો વાયરલ થતા ક્રિકેટર સોશિયલ મીડિયા પર ટ્રોલ થઇ રહ્યો છે.

 

થપ્પડના કારણે વધ્યો વિવાદ

2024ની રાષ્ટ્રીય ચૂંટણીમાં મગુરા-1 મતવિસ્તાર માટે અવામી લીગના ઉમેદવાર બન્યા બાદ સાકિબ અલ હસને દેશભરમાં પ્રવાસ કર્યો. નાગરિકો સાથે વાતચીત કરી છે અને તેમની પ્રચાર રેલીઓમાં ક્રિકેટનો પણ સમાવેશ કર્યો છે. જો કે, થપ્પડ મારવાની ઘટના તેમની સામાન્ય રીતે લોકો સાથે ખુશખુશાલ વાતચીત કરતા તદ્દન વિપરીત છે. ચૂંટણીમાં શાકિબ અલ હસનનો વિજય થયો હતો. 36 વર્ષીય ક્રિકેટર શાકિબ હવે ધારાસભ્ય અને ક્રિકેટ કેપ્ટન તરીકેની પોતાની ફરજોને સંતુલિત કરવા તૈયાર છે.

વીડિયો જોઇ ફેન્સ ચોંકી ગયા

શાકિબના આ બેજવાબદાર વર્તન પર ચાહકોએ આશ્ચર્ય અને નિરાશા વ્યક્ત કરી છે. ચૂંટણી જીતવા માટે પ્રબળ દાવેદાર હોવા છતાં આ ઘટનાએ ક્રિકેટરના ઇતિહાસમાં વિવાદોનો ઉમેરો કર્યો છે. લોકોમાંથી ખૂબ જ આકરી પ્રતિક્રિયા જોવા મળી રહી છે. તમને જણાવી દઈએ કે આ પહેલા પણ શાકિબની અમ્પાયર સાથે ઝઘડો થયો હતો. પત્ની સાથેના ઝઘડામાં ફેનને લાફો ઝીંકી દીધો હતો, તો આ સિવાય તે વિવાદાસ્પદ નિવેદનો પણ આપતા જોવા મળે છે.