January 8, 2025

લો બોલો! 20 થી વધુ બાળકોને શાળામાં બંધ કરી શિક્ષક ભૂલી ગયા

સુરેન્દ્રનગર: પોતાના બાળકોના સુંદર ભવિષ્ય માટે માતા-પિતા તેમેને સારા શિક્ષણ અને સારા વર્તન માટે તેઓને શાળામાં અભ્યાસ અર્થે મોકલે છે. હાલના સમયમાં વાલીઓ પોતાની જવાબદારીને પૂર્ણ કરવા માટે પોતાના વ્હાલા ભૂલકાઓને શાળાના શિક્ષકોને સોંપે છે પરંતુ જો આ શાળાના શિક્ષકો બેદરકાર બની બાળકોની અવગણના કરે અથવા તેઓને શાળામાં પૂરીને જતા રહે તો? આ સવાલ દરેક વાલીના મનમાં ડર ઉભો કરી શકે છે.

કંઇક આવું જ પાટડીના ફતેપુરા પ્રાથમિક શાળાના શિક્ષકોએ કર્યું હતું. જેના કારણે વિદ્યાર્થીઓના માતા-પિતા અને ગ્રામજનોએ શિક્ષકોનો ઉધડો લીધો હતો. ત્યાં જ 20 જેટલા બાળકો કલાકો સુધી શાળામાં જેલમાં પૂરાઇ રહ્યા હોય તેવા દ્રશ્યો સામે સર્જાયા હતા, આ દરમિયાન નાના ભૂલકાઓ ધ્રુસકે ને ધ્રુસકે રડી રહ્યા હતા અને પોતાના વાલીઓને શાળામાંથી બહાર નીકાળવા માટે આજીજી કરી રહ્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર, પાટડીના ફતેપુરા પ્રાથમિક શાળાના શિક્ષકોની ગંભીર બેદરકારીની ઘટના સામે આવી છે. અહીં 20 થી વધુ બાળકોને શાળામાં બંધ કરી શિક્ષકો બહાર ચાલ્યા ગયા હતા. જોકે આ વાતની જાણકારી મળતા જ સરપંચ સહિતના ગ્રામજનોએ શાળા સંકુલના તાળા તોડીને બાળકોને બહાર કાઢ્યા હતા અને બાદમાં શાળામાં આવેલા શિક્ષકોનો ઉધડો લીધો હતો. આ દરમિયાન ગામમાં પણ આ મામલો ચર્ચામાં આવ્યો હતો. જે બાદ મોટી સંખ્યામાં ગ્રામજનોએ શાળાના શિક્ષકોને ખખડાવ્યા હતા.

જોકે આ સ્થિતિની ગંભીરતાને સમજતા શિક્ષકોએ માફી માંગી મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. ત્યાં જ સરપંચ સહિત ગ્રામજનોએ શાળામાં જ ખખડાવી દીધા હતા અને તેઓને આ મામલે તેમની જવાબદારીનું ભાન કરાવ્યું હતું. તો બીજી તરફ ગામના અન્ય લોકોએ બંદરકારી દાખવનારા શિક્ષકો સામે કડક પગલા ભરવા માંગ કરી હતી.

હાલમાં આ મામલે ગ્રામજનોએ કોઇ લેખિત ફરિયાદ આપી નથી પરંતુ પોતાના બાળકો સાથે આવું ક્યારેય ન થાય તેવી બાંહેધરી શિક્ષકો પાસે લીધી હતી અને ત્યારે આ મામલો થાળે પડ્યો હતો.