રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ માટે એકમાત્ર પાટણની હાઇસ્કૂલના શિક્ષકની પસંદગી
પાટણ: વર્ષ 2024માં ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિભાગમાં શ્રેષ્ઠ શિક્ષક તરીકે પારિતોષિક એવોર્ડ માટે રાજ્યમાંથી એકમાત્ર પાટણ શહેરના એન. જી. એસ. કેમ્પસમાં આવેલ પી. પી. જી. એક્સપરિમેન્ટલ હાઈસ્કૂલના શિક્ષક ઝુઝારસિંહ સોઢાની પસંદગી થવા પામી છે. જેથી શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓ અને નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટીના સંચાલકોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.
રાજ્યના ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિભાગમાં એકમાત્ર પાટણ જિલ્લાના શિક્ષક ઝુઝારસિંહ નાથુસિંગ સોઢાની પસંદગી થવા પામી છે. આ શિક્ષક દ્વારા પોતાની ફરજના 16 વર્ષ દરમિયાન બાળકોની શૈક્ષણિક કાર્ય કરાવવા ઉપરાંત શૈક્ષણિક અને સામાજિક ક્ષેત્રે અનેક સેવાકીય પ્રવૃત્તિઓ અને નવા ઇનોવેશન કરીને સમાજ શૈક્ષણિક ક્ષેત્રે શ્રેષ્ઠ યોગદાન આપ્યું છે. જેમાં મુખ્યત્વે શિક્ષણમાં વિષયોને સરળ ભાષામાં બાળકોને ભણાવવા માટેની યુક્તિઓનું ઇનોવેશન કર્યું છે.
શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક માટે પસંદગી પામેલ જુજારસિંગ સોઢાએ જણાવ્યું હતું કે છેલ્લા 16 વર્ષથી શિક્ષણમાં સેવા બજાવું છું. શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક માટે રાજ્ય સરકારના અલગ અલગ ક્રાટેરિયા હોય છે. જેમાં સાંસ્કૃતિક મૂલ્યો અને બાળકોના સર્વાંગી વિકાસ માટે તેમજ વિદ્યાર્થી, વાલી અને શાળાનું બંધન કઈ રીતે બાંધી શકાય અને શિક્ષકે તેના કાર્યકાળ દરમિયાન કેવા પ્રયત્નો કર્યા છે તેને ધ્યાનમાં રાખવામાં આવે છે. જેથી મેં શૈક્ષણિક ઇનોવેશન, ક્રિયાત્મક સંશોધન, રિસર્ચ વર્ક અને વિદ્યાર્થી તેમજ વાલી તથા શાળાના માનવીય અભિગમો માટે યથા યોગ્ય પ્રયાસો કર્યા છે. જેની નોંધ લઈ સરકાર દ્વારા પારિતોષિક માટે પસંદગી કરી હોવાનું મને લાગે છે.
રાજ્યકક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પાટણની એક્સ્પ્રીંમેન્ટલ હાઇસ્કુલ ના ઇન્ચાર્જ આચાર્ય ઝુઝારસિહ સોઢાની પસંદગી થતા નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી ના સંચાલકોમાં ખુશી જોવા મળી રહી છે. સોસાયટીના સીડીઓ ડો. જય ધ્રુવે જણાવ્યુ હતું કે અમારી સંસ્થામાં આ ચોથો શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક નો એવોર્ડ છે જેથી અમને ખૂબ ખુશી છે. ઇન્ચાર્જ આચાર્ય શિક્ષણની સાથે સાથે સેવા કાર્યોમાં તેમજ પર્યાવરણમાં પણ હંમેશા અગ્રેસર છે અને આ એવોર્ડ માટે તે યોગ્ય પણ છે.
શાળામાં વિદ્યાર્થીઓને અભ્યાસમાં સરળતા રહે અને વિદ્યાર્થીઓ સરળતાથી વિષયનું જ્ઞાન મેળવી શકે તે માટે ઇનોવેશનનો કાર્ય કર્યું છે સાથે જ વિદ્યાર્થીઓમાં રહેલ કૌશલ્યને ઉજાગર કરવા માર્ગદર્શક ની ભૂમિકા ભજવી જિલ્લા અને રાજ્ય કક્ષાએ કલાક્ષેત્રે આગળ લાવ્યા છે.
નોર્થ ગુજરાત એજ્યુકેશન સંચાલિત એક્સપરિમેન્ટલ હાઇસ્કુલમાં અત્યાર સુધી ત્રણ રાજ્યકક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે ત્યારે તાજેતરમાં જ ઇન્ચાર્જ આચાર્ય જુજારસિંહ સોઢાની રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક તરીકે એવોર્ડ માટે પસંદગી કરાતા નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી સહિત પાટણ જિલ્લાના શિક્ષણ આલમમાં ખુશી જોવા મળી રહી છે.