November 22, 2024

આંધ્ર પ્રદેશની ગર્લ્સ હોસ્ટેલના વોશરૂમમાંથી મળ્યો સીક્રેટ કેમેરો, અનેક ફૂટેજ લીક:

Hidden Camera in Andhra Pradesh Girls Hostel: આંધ્રપ્રદેશની એક એન્જિનિયરિંગ કોલેજની ગર્લ્સ હોસ્ટેલમાં ગુપ્તકેમેરા મળી આવતાં ખળભળાટ મચી ગયો હતો. જ્યારે એક વિદ્યાર્થિનીના ધ્યાનમાં આ છુપો કેમેરા આવ્યો તો તેણે તુરંત જ હોસ્ટેલ મેનેજમેન્ટને આ અંગે જાણ કરી. કેમેરામાંથી રેકોર્ડ કરાયેલા કેટલાક ફૂટેજ બોયઝ હોસ્ટેલમાં શેર કરી દેવામાં આવ્યા હતા. આ ઘટનાથી રોષે ભરાયેલી વિદ્યાર્થિનીઓ વિરોધ કરવા લાગી હતી.

મળતી માહિતી મુજબ આ મામલો આંધ્રપ્રદેશના કૃષ્ણા જિલ્લાનો છે. વિદ્યાર્થિનીઓનો આરોપ છે કે અહીંની ગુડલાવલેરુ કોલેજ ઓફ એન્જિનિયરિંગની ગર્લ્સ હોસ્ટેલમાં છુપાયેલ કેમેરા લગાવવામાં આવ્યો હતો. આ માહિતી સામે આવતાં જ અહી ખળભળાટ મચી ગયો હતો. આ ઘટનાથી વિદ્યાર્થિનીઓમાં રોષ ફેલાયો હતો અને તેઓ કોલેજ કેમ્પસમાં એકઠા થઈ ગયા હતા અને વિરોધ કરવા લાગી હતી.

એન્જિનિયરિંગ કોલેજમાં વિરોધ કરી રહેલી વિદ્યાર્થિનીઓએ ‘વી વોન્ટ જસ્ટિસ’ના નારા લગાવવાનું શરૂ કરી દીધું હતું. તેમણે ગોપનીયતાનો ભંગ કરનારા અને વિડિયો ફૂટેજ શેર કરનારાઓ સામે કડક પગલાં લેવાની માંગ કરી હતી. વિરોધની માહિતી મળતાની સાથે જ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી. પોલીસે આ મામલાની તપાસ કરી, ત્યારબાદ એન્જિનિયરિંગના અંતિમ વર્ષના વિદ્યાર્થીને કસ્ટડીમાં લેવામાં આવ્યો. જોકે, વિદ્યાર્થીની ઓળખ જાહેર કરવામાં આવી નથી. પોલીસ આ સમગ્ર મામલે પૂછપરછ અને તપાસ કરી રહી છે.

કોલેજ પ્રશાસને વિદ્યાર્થીઓ અને વાલીઓને આશ્વાસન આપ્યું છે કે તેઓ આ સમગ્ર મામલાની તપાસ માટે અધિકારીઓને સહકાર આપી રહ્યા છે. ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે વધારાની સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવશે તેવું કહેવામાં આવ્યું છે.

આ પણ વાંચો: ટેલિગ્રામ પર પ્રતિબંધ મૂકે તો વાપરો આ મેસેજિંગ એપ્સ, મોજ પડી જશે

પોલીસે કેસ દાખલ કરી તપાસ શરૂ કરી
ગુડલાવલેરુ કોલેજ ઑફ એન્જિનિયરિંગમાં ગઈ કાલે બનેલી આ ઘટના બાદ પોલીસે કેસ દાખલ કર્યો છે. અધિકારીઓએ જણાવ્યું છે કે જ્યારે ગર્લ્સ હોસ્ટેલની તપાસ કરવામાં આવી તો ત્યાંથી કોઈ છુપો કેમેરા નથી મળી આવ્યો. પોલીસે વિદ્યાર્થીઓ અને કોલેજ સ્ટાફની હાજરીમાં આરોપીના લેપટોપ, મોબાઈલ અને અન્ય ઈલેક્ટ્રોનિક ગેજેટ્સની તપાસ કરી હતી. આ દરમિયાન કોઈ ગુનાહિત પુરાવા પણ નથી મળ્યા. અધિકારીઓએ વિદ્યાર્થીનીઓને આશ્વાસન આપ્યું છે કે આ બાબતે ચિંતા કરવાની જરૂર નથી. તપાસ ચાલી રહી છે. પોલીસ અધિક્ષકે કહ્યું કે કોઈપણ ખોટા કામ કરનારની ઓળખ કરવામાં આવશે અને તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.