December 26, 2024

SCO Summit: ચીની વિદેશમંત્રી સાથે એસ. જયશંકરની મુલાકાત, સરહદ વિવાદને લઈને સીધી વાત

SCO Summit: વિદેશ મંત્રી એસ. જયશંકર અને ચીની વિદેશ મંત્રી વાંગ યીએ કઝાકિસ્તાનની રાજધાની અસ્તાનામાં મુલાકાત કરી. ભારત અને ચીન વચ્ચે પૂર્વ લદાખમાં ચાલી રહેલા સીમા વિવાદ વચ્ચે બંને દેશોના વિદેશ મંત્રીઓ શાંઘાઇ સહયોગ સંમેલન (SCO Summit)ના વાર્ષિક સમિટ પહેલા મુલાકાત કરી. બંને નેતાઓએ પૂર્વ લદાખના સીમા વિવાદને ઉકેલવા માટે રાજદ્વારી અને સૈન્ય માધ્યમો દ્વારા પ્રયાસો વધારવા સહમતી દર્શાવી છે.

જયશંકરે વાંગને જણાવ્યું કે LACનું સન્માન અને સીમા વિસ્તારોમાં શાંતિ સુનિશ્ચિત કરવી જરૂર છે. વિદેશ મંત્રીએ ભારતના આ દ્રઢ દ્રષ્ટિકોણનો પુનરોચ્ચાર કર્યો કે બંને દેશો વચ્ચે સંબંધો પરસ્પર સન્માન, હિત અને સંવેદનશીલતા પર નિર્ભર હોવા જોઈએ.

વિદેશ મંત્રી એસ. જયશંકરે ટ્વિટર (X) પર લખ્યું કે આજે સવારે અસ્તાનામાં CPC પોલિત બ્યૂરોના સભ્ય અને વિદેશ મંત્રી વાંગ યી સાથે મુલાકાત કરી. સરહદી વિસ્તારોમાં બાકી રહેલા મુદ્દાઓનું જલ્દી નિરાકરણ લાવવા માટે ચર્ચા કરવામાં આવી. આ દિશામાં રાજદ્વારી અને સૈન્ય માધ્યમો દ્વારા બમણા પ્રયાસો કરવા સહમતી વ્યક્ત કરી.

તેમણે વધુમાં લખ્યું છે કે LACનું સન્માન કરવું, સરહદી વિસ્તારોમાં શાંતિ અને સ્થિરતા સુનિશ્ચિત કરવી જરૂરી છે. પરસ્પર આદર, પરસ્પર સંવેદનશીલતા અને પરસ્પર હિતો આપણા દ્વિપક્ષીય સંબંધોને માર્ગદર્શન આપશે.