પોરબંદરમાં અતિવૃષ્ટિ જેવા દ્રશ્યો, વરસાદી આફતે લોકોને મુશ્કેલીમાં મૂકી દીધા

સિધ્ધાર્થ બુદ્ધદેવ, પોરબંદર: ગુજરાત ચોમાસાના પ્રકોપનો સામનો કરી રહ્યું છે ત્યારે પોરબંદર જિલ્લામાં છેલ્લા 24 કલાકથી વરસાદ શરૂ છે. રાણાવાવ કુતિયાણામાં પણ વરસાદ શરૂ છે. આ દરમિયાન પોરબંદરમાં 14 ઇંચ ખાબક્યો છે તો રાણાવાવમાં 5 ઈંચ વરસાદ ખાબક્યો છે અને કુતિયાણામાં 1 ઈંચ વરસાદ પડ્યો છે.
પોરબંદરમાં ધોધમાર વરસાદ બાદ જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. લોકોના ઘરમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે. જે બાદ 554 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.
અવિરત વરસાદ બાદ પોરબંદર જિલ્લામાં નાના-મોટા 61 રોડ બંધ છે. હાલમાં ઘણા એવા ગામડા પણ છે જેમનો એકબીજા ગામ સાથેનો સંપર્ક તૂટી ગયો છે. લોકો પાણી ભરતા એકબીજા ગામમાં ન જઈ શકે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.
નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. તંત્ર દ્વારા લોકોની મદદ માટે પૂરતા પ્રયાસો શરૂ કરી દેવાયા છે. જોકે સ્થાનિક લોકો પણ પાણી ઘટે એની રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન ભાજપ નેતા અર્જુન મોઢવાડિયાએ રાજ્યના સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે વાત કરી છે.
પોરબંદરના સાંસદ અને કેન્દ્રીય મંત્રીશ્રી ડૉ. મનસુખ માંડવિયાએ પોરબંદરમાં અતિવૃષ્ટિથી સર્જાયેલી સ્થિતિનો તાગ મેળવ્યો હતો. તેમણે પોરબંદર જિલ્લા કલેકટર સાથે વરસાદી પરિસ્થિતિ અંગે ટેલિફોનિક ચર્ચા કરી હતી અને લોકોની જાનમાલની સુરક્ષા અંગે તમામ વ્યવસ્થા કરવા સૂચના આપી હતી. ત્યાં જ જરૂરર જણાય ત્યા NDRF અને કોસ્ટ ગાર્ડને પણ મદદ કરવા પણ સૂચના આપાવામાં આવી છે. હાલમાં તંત્ર અને સામાજિક સંસ્થાઓ દ્વારા 25000થી વધુ ફુટ પેકેટ આપવામાં આવ્યા હતા.
ભાવનગર રેલવે ડિવિઝનના DRM, રવીશ કુમારે જણાવ્યું હતું કે, “પોરબંદર શહેરમાં છેલ્લા કેટલાક કલાકોમાં આશરે 300 મીમી વરસાદ નોંધાયો છે. અમારી ટીમ સતર્ક હતી અને તેમને પાટા પરથી પાણી વહેતું જોવા મળ્યું. તેઓએ ડાન્સરનું મૂલ્યાંકન કર્યું અને ટ્રેનની અવરજવરને રોકવા માટે તાત્કાલિક પગલાં લીધા. હાલમાં અમે ખૂબ જ ઝડપથી ટ્રેકને પુનઃસ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ અને કામ શરૂ કર્યું છે. લગભગ 300થી 400 લોકો કામ કરી રહ્યા છે. અમે 5 પેસેન્જર ટ્રેનને સમાપ્ત કરી છે. અમારો ઉદ્દેશ્ય ખૂબ જ ઝડપથી સેવાઓ પુનઃસ્થાપિત કરવાનો છે.”