ઊંચું વળતર આપવાના નામે કરોડોનું કૌભાંડ, મહિલા સહિત ત્રણ આરોપીઓની ધરપકડ

મિહિર સોની, અમદાવાદ: અમદાવાદમાં ઊંચું વળતર આપવાના નામે કરોડોનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો ખુલાસો થયો છે. અમદાવાદ શહેર પોલીસના આર્થિક ગુના નિવારણ શાખાએ ઠગ દંપતી સહિત 3 આરોપીની આ મામલે ધરપકડ કરી લીધી છે. આરોપીઓએ અનેક લોકોને લોભામણી લાલચ આપીને ઠગાઈ આચરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
આરોપીઓ અમિત પ્રજાપતિ, સંધ્યા પ્રજાપતિ અને નિલેશ પ્રજાપતિએ એમસ્ટ્રેડ કેપીટલ નામની ફર્મ ઉભી કરીને માસિક 4 ટકાનુ વળતર આપવાની લાલચ આપીને રૂ 1.61 કરોડની છેતરપીંડી આચરી છે. નરોડામાં રહેતા સુજલભાઈ સોલંકીએ EOWમાં ફરિયાદ નોંધાઇ હતી. આ દંપતી અમિત પ્રજાપતિ અને તેમના પત્ની સંધ્યા તેમજ ભાઈ નિલેશએ અનેક રોકાણકારો લોભામણી લાલચ આપીને રોકાણ કરાવ્યું હતું. પરંતુ વળતર નહિ આપીને કરોડોનું કૌભાંડ આચર્યું હતું. આર્થિક ગુના નિવારણ શાખાએ ગુનો નોંધીને ત્રણેય આરોપીની ધરપકડ કરી.
EOWની તપાસમાં સામે આવ્યું કે પકડાયેલ આરોપીઓ નાના ચિલોડાના રહેવાસી છે. 2019 થી 2024 દરમ્યાન આ કૌભાંડ આચર્યું હતું. આ કૌભાંડ નો માસ્ટર માઇન્ડ અમિત પ્રજાપતિ છે. ગ્રેજ્યુએટ થયેલ આરોપી અગાઉ બેંગ્લોર ખાતે નોકરી કરતો હતો. અને અમદાવાદમાં આવ્યા બાદ નરોડા અને બાપુનગરમાં એમસ્ટ્રેડ કેપીટલ નામની ફર્મ ઉભી કરીને લોકોને રોકાણ કરવા લોભામણી લાલચ આપી હતી. EOW દ્વારા આરોપીના નિવાસસ્થાને સર્ચ કરતા 100થી વધુ રોકાણકારોએ રોકાણ કર્યું હોવાનું તપાસમાં સામે આવ્યું છે. પોલીસે ભોગ બનનારને EOW માં સંપર્ક કરવાની અપીલ કરી છે.
EOW એ ત્રણેય આરોપીની ધરપકડ કરીને રિમાન્ડની કાર્યવાહી હાથ ધરી છે. આ આરોપીએ અન્ય કેટલા રોકાણકારોને ટ્રાગેટ કર્યા છે. જ્યારે ઠગાઈના રૂપિયા ક્યાં રોકાણ કર્યું. તે તમામ મુદ્દે પૂછપરછ શરૂ કરી છે.