December 28, 2024

Delhi Liquor Policy Case: CM કેજરીવાલને મોટી રાહત, સુપ્રીમ કોર્ટે આપ્યા જામીન

Arvind Kejriwal Bail: કથિત દારૂ કૌભાંડમાં ધરપકડ કરાયેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મોટી રાહત મળી છે. ધરપકડને પડકારતી અરજી પર પોતાનો ચુકાદો આપતાં સુપ્રીમ કોર્ટે કેજરીવાલને વચગાળાના જામીન મંજૂર કર્યા છે. ED કેસમાં ધરપકડ યોગ્ય છે કે ખોટી તે અંગે કોર્ટે ચુકાદો આપ્યો નથી.કોર્ટે આ કેસને મોટી બેંચને મોકલવાની ભલામણ કરી છે. જોકે, સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળવા છતાં કેજરીવાલ હજુ જેલમાંથી બહાર આવી શકશે નહીં, કારણ કે CBIએ તેમની ધરપકડ પણ કરી છે.

ઉલ્લેખનીય છે કે, જસ્ટિસ સંજીવ ખન્ના અને દીપાંકર દત્તાની બેન્ચે કેજરીવાલની અરજી પર સુનાવણી પૂર્ણ કર્યા બાદ 17 મેના રોજ ચુકાદો અનામત રાખ્યો હતો. કેજરીવાલની 21 માર્ચે ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે જામીનના પ્રશ્ન પર વિચાર કરવામાં આવ્યો નથી, પરંતુ પીએમએલની કલમ 19ના માપદંડો પર વિચાર કરવામાં આવ્યો છે. કલમ 19 અને કલમ 15 વચ્ચેનો તફાવત સમજાવવામાં આવ્યો છે. કોર્ટે કહ્યું કે જ્યાં સુધી મોટી બેંચ નિર્ણય ન લે ત્યાં સુધી કેજરીવાલને વચગાળાના જામીન પર મુક્ત કરવામાં આવે.

નાણાકીય વર્ષ 2021-22 માટે દારૂની નીતિમાં કથિત કૌભાંડ અને મની લોન્ડરિંગના આરોપમાં ધરપકડ કરાયેલા કેજરીવાલને સુપ્રીમ કોર્ટની એ જ બેંચ દ્વારા લોકસભા ચૂંટણી વચ્ચે 21 દિવસ માટે વચગાળાના જામીન આપવામાં આવ્યા હતા. કેજરીવાલે ED દ્વારા કરાયેલી ધરપકડને ગેરકાયદે ગણાવીને સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. બંને પક્ષે લાંબી દલીલો થઈ હતી.

સુનાવણી દરમિયાન, એડિશનલ સોલિસિટર જનરલ એસવી રાજુએ સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે હવાલા ચેનલો દ્વારા આમ આદમી પાર્ટી (AAP)ને પૈસા મોકલવામાં આવ્યા હોવાના પુરાવા છે. કેજરીવાલ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ દલીલ કરી હતી કે મુખ્ય પ્રધાનની ધરપકડનો બચાવ કરવા માટે ED દ્વારા જે સામગ્રી ટાંકવામાં આવી રહી છે તે તેમની ધરપકડ સમયે હાજર ન હતી.

કેજરીવાલ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી બાદ અને સુપ્રીમ કોર્ટના નિર્ણય પહેલા જ્યાં એક તરફ સીબીઆઈએ આમ આદમી પાર્ટીના વડાની પણ ધરપકડ કરી છે તો બીજી તરફ ઈડીએ ટ્રાયલ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. ચાર્જશીટમાં EDએ કેજરીવાલને કૌભાંડના ‘મુખ્ય કિંગપિન’ અને ‘ષડયંત્રકાર’ ગણાવ્યા છે. દિલ્હી સરકાર અને આમ આદમી પાર્ટી આ આરોપોને ફગાવી રહી છે અને દાવો કરી રહી છે કે દારૂ કૌભાંડના દાવા ખોટા છે અને દિલ્હીના મુખ્યમંત્રીને ષડયંત્રમાં ફસાવવામાં આવ્યા છે.