January 18, 2025

જૂનાગઢના 6 ગામોના સરપંચોનો ‘માનવસર્જિત’ જળ હોનારતનો આરોપ, કરી રજૂઆત

સાગર ઠાકર, જુનાગઢ: જૂનાગઢમાં બે દિવસ ભારે વરસાદના કારણે જૂનાગઢ અને વંથલી તાલુકાના મળીને છ ગામોમાં ખેતીની જમીનનું ધોવાણ થઈ ગયું છે, આ તમામ છ ગામોના સરપંચોએ આ માનવ સર્જીત જળ હોનારત હોવાનો આક્ષેપ કર્યો છે, ખેડૂતોને થયેલી નુકસાનીને લઈને સાંસદ, ધારાસભ્ય અને કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે અને એક અઠવાડીયામાં જો કોઈ નિરાકરણ કરવામાં નહીં આવે તો આંદોલનની ચીમકી આપવામાં આવી છે અને ખેડૂતોએ જૂનાગઢના અધિકારીઓ અને પદાધિકારીઓ પર ગંભીર આક્ષેપો કર્યા છે.

જૂનાગઢ શહેરમાં બે દિવસ ભારે વરસાદ વરસ્યો અને વિલિંગ્ડન ડેમ ઓવરફલો થયો જે પાણીનો નિકાલ કાળવામાં થવાને બદલે કબુતરી ખાણમાં ડાયવર્ટ કરવામાં આવ્યો જેના કારણે પ્લાસવા સહીતના છ ગામોમાં ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા, ખેતરોના શેઢાપાળા તુટી ગયા હતા એટલું જ નહીં ખેતરોમાં જવાના રસ્તા પર પાણી ભરાયા અને ખેતરો મેદાનમાં ફેરવાઈ ગયા જેથી ખેડૂતોને ભારે નુકશાની વેઠવાનો વારો આવ્યો છે અને ખેડૂતોમાં આ જળ હોનારતને લઈને આક્રોશ જોવા મળી રહ્યો છે.

ગત વર્ષે ગિરનાર અને દાતાર પર્વત પર આભ ફાટતા શહેરમાં પુરની સ્થિતિ સર્જાઈ હતી, વોકળા પરના દબાણના કારણે વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન થયો અને લોકોના ઘરોમાં પાણી ઘુસી ગયા હતા અને તારાજી સર્જાઈ હતી, ચાલુ વર્ષે આવી સ્થિતિ ન સર્જાઈ તે માટે કાળવામાં આવતું પાણી જ કબુતરી ખાણમાં ડાયવર્ટ કરી નાખવામાં આવ્યું જેના કારણે જૂનાગઢ તાલુકાના પ્લાસવા, વિજાપુર, સોડવદર તથા વંથલી તાલુકાના ઘુડવદર, છેલરા અને રાયપુર ગામમાં પુર આવ્યું હતું અને ખેડૂતોના ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા, શેઢા પાળા તુટી ગયા તો ક્યાંક કુવા પણ બેસી ગયા હતા, આ છ ગામોમાં સર્જાયેલી જળ હોનારતને ગામના આગેવાનો તથા ખેડૂતોએ માનવ સર્જીત જળ હોનારત ગણાવી છે અને જૂનાગઢના અધિકારીઓ અને પદાધિકારીઓએ પોતના પાપ છુપાવવા આ સ્થિતિનું નિર્માણ કર્યું હોવાનો આક્ષેપ કર્યો છે.

ગામના આગેવાનોએ આક્ષેપ કર્યો કે જૂનાગઢમાં વોકળા પર દબાણ હટાવાયું નથી ત્યારે પાણીને જ ડાયવર્ટ કરી દેવામાં આવ્યું છે જેથી પોતાનું પાપ છુપાવી શકાય અને સરકારમાં સારી કામગીરી કરી હોવાનું જણાવીને છ ગામના ખેડૂતોનો ભોગ લેવાય રહ્યો છે. જૂનાગઢ અને વંથલી તાલુકાના છ ગામોના સરપંચો, આગેવાનો અને ખેડૂતો આ મુદ્દે એકમત છે અને તેમની માગં છે કે વિવિંગ્ડન ડેમનું પાણી જે પહેલા તેનું કુદરતી વહેણ હતું તે વહેણ કરવામાં આવે, હાલ ડાયવર્ટ કરાયેલા પાણીને લઈને આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે, ગામના સરપંચોએ તંત્રને એક અઠવા઼ડીયાની મુદત આપી છે, જો તંત્ર આ બાબતે કોઈ કાર્યવાહી નહીં કરે અને ગામ તરફ આવતાં પાણી ડાયવર્ટ નહીં કરે તો છ ગામના લોકો જલદ આંદોલન કરશે તેવી ચિમકી ઉચ્ચારવામાં આવી છે.