સરખેજની LJ કોલેજ કેમ્પસમાં દારૂની મહેફિલ, 5ની ધરપકડ
મિહિર સોની, અમદાવાદઃ સરખેજમાં એલજે કોલેજ કેમ્પસમાં દારૂની મહેફિલ ઝડપાઈ છે. પોલીસ સુરક્ષાની સૂચના આપવા કોલેજ કેમ્પસમાં પહોંચી તો ગરબાની રમઝટ વચ્ચે સિક્યોરિટી ગાર્ડ દારૂની મહેફિલ માણી રહ્યા હતા. સરખેજ પોલીસે દારૂની મહેફિલનો ગુનો નોંધી સિક્યોરિટી ઇન્ચાર્જ સહિત 5 આરોપીની ધરપકડ કરી છે.
આરોપી નિતેષસિંઘ રાજપુત, બાબુસિંઘ રાજપુત, ઉપેન્દ્રસિંઘ યાદવ, સોનુસિંઘ રાજપુત અને ગોવિદસિંહ રાજપુતની દારૂની મહેફિલ માણતા સરખેજ પોલીસે ધરપકડ કરી છે. વિદ્યાના મંદિરમાં દારૂની મહેફિલ માણતા આરોપીઓને લઈને સરખેજ પોલીસે તપાસ શરૂ કરી છે. આ સમગ્ર ઘટનાની વાત કરીએ તો સરખેજમાં આવેલી એલજે કોલેજના કેમ્પસમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેથી સરખેજ પોલીસ સુરક્ષાની ચેકિંગ લઈને કોલેજના કેમ્પસ પહોંચી હતી. સિક્યોરિટી ગાર્ડના રૂમમાં સૂચના આપવા માટે પોલીસ પ્રવેશ કર્યો ત્યારે દારૂની મેહફિલ માણતા આરોપીઓ પકડ્યા હતાં. તેમની પાસેથી વિદેશી દારૂની બોટલ અને મોબાઈલ પોલીસે જપ્ત કરીને દારૂની મહેફિલ ગુનો નોંધ્યો.
દારૂની મહેફિલ માણતા આરોપીઓ મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી છે. જેમાં કોલેજના સિક્યોરિટીના ઇન્ચાર્જ નિતેષસિંઘ રાજપૂતે દારૂની મહેફિલનું આયોજન કર્યું હતું. અન્ય સિક્યોરિટી ગાર્ડ મિત્રોને બોલાવ્યા હતા. આ દારૂ આરોપી ક્યાંથી લાવ્યા હતા અને દારૂની મહેફિલમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. ત્યારે આરોપીઓ અગાઉ કેટલી વાર દારૂની પાર્ટી કરી છે જેને લઈ પૂછપરછ કરવામાં આવી રહી છે.