July 1, 2024

સિધ્ધપુરની સરસ્વતી નદીને કરાશે પુનઃજીવંત, પુરજોશમાં કામગીરી ચાલુ

ભાવેશ ભોજક, પાટણ: વર્ષોથી સૂકી ભઠ રહેલી સિદ્ધપુરની સરસ્વતી નદીને બંને કાંઠે વહેતી કરી નદીને પુનઃજીવિત કરવા માટેની કામગીરી રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવી છે જે અંતર્ગત કરોડો રૂપિયાના ખર્ચે હાલમાં સરસ્વતી નદીના બ્યુટી ફીકેશનની કામગીરી હાલમાં પૂર જોશમાં ચાલી રહી છે જેથી સિદ્ધપુર નગરજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહયો છે.

સરસ્વતી નદીના કિનારે વસેલું શ્રી સ્થળ એટલે સિધ્ધપુર જેને દેવોના મોસાળ તરીકે પણ ઓળખવામાં આવે છે. માતૃગયા તીર્થ તરીકે પણ સિધ્ધપુર સમગ્ર ભારતમાં આગવું મહત્વ ધરાવે છે. ધાર્મિક દ્રષ્ટિએ પણ આ શહેરનું ખૂબ જ મહત્વ છે. વર્ષો પહેલા સરસ્વતી નદી બે કાંઠે ખળખળ વહેતી હતી. પરંતુ. છેલ્લા ચાર દાયકાથી સરસ્વતી નદીનો પટ સૂકો ભઠ બન્યો છે. માત્ર ચોમાસા દરમિયાન જ નદીમાં પાણી જોવા છે. ત્યારે, સિધ્ધપુર ને એક પ્રવાસન સ્થળ તરીકે વિકસાવા અને સરસ્વતી નદીને પુનઃજીવિત કરવા માટે રાજ્ય સરકાર દ્વારા ધોળકિયા ફાઉન્ડેશનને કામગીરી સોંપવામાં આવી છે. રૂપિયા 20 કરોડના અંદાજિત ખર્ચે સરસ્વતી નદીના એક કી.મી.ના પટમાં વરસાદી પાણીનું જળસંચય કરી નદીને પુન જીવંતકરવાની કામગીરી હાલમાં પૂરજોશમાં ચાલી રહી છે. નદી કાંઠે રિવરફ્રન્ટ અને ગાર્ડન પણ બનશે. સરકારની પ્રજાલક્ષી આ કામગીરીની લઈને સિદ્ધપુર નગરજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સરસ્વતી નદી ખાતે ની ચાલી રહેલી કામગીરી ડિસેમ્બર 2024 ના અંતમાં પૂર્ણ થશે

સિધ્ધપુર ખાતે વર્ષ દરમિયાન અનેક શ્રદ્ધાળુઓ તર્પણ વિધિ માટે આવે છે ત્યારે નદીમાં પાણી ન હોવાને કારણે શ્રદ્ધાળુ પોતાના પિતૃઓની અસ્થિઓ નદીમાં ખાડો ખોદીને મૂકી જાય છે ત્યારે તેઓની લાગણી પણ દુભાય છે. ત્યારે હવે સરકારના આ પ્રોજેક્ટ થકી તર્પણ વિધિ માટે નદી ઘાટે એક અલગથી તર્પણ ઘાટ બનાવવામાં આવશે જેમાં શ્રદ્ધાળુઓ સ્વચ્છ સ્થળ પર પાણીમાં તર્પણ કરી શકશે. નદીમાં પાણી રહેશે જેના થકી પાણીના સ્થળ ઊંચા આવશે અને સિંચાઈ નો લાભ ખેડૂતોને મળશે સાથે જ સિદ્ધપુરના લોકોની આજીવીકા પણ વધશે. આ પ્રોજેક્ટ થકી સિદ્ધપુરના લોકોને એક પ્રવાસ સ્થળ મળશે જ્યાં સિદ્ધપુર સહિત આસપાસના પંથકના લોકો હરવા ફરવા માટે આવશે.

ધોળકિયા ફાઉન્ડેશનના કનક પટેલે જણાવ્યું હતું કે ફાઉન્ડેશન દ્વારા અત્યાર સુધીમાં ગુજરાતમાં 150 થી વધારે સરોવરો બનાવવામાં આવ્યા છે. ત્યારે સિદ્ધપુરની સરસ્વતી નદીને પુનર્જીવિત કરી રિવરફ્રન્ટ બનાવવાની કામગીરી 13 માર્ચ 2024 થી શરૂ કરવામાં આવી છે. ત્રણ મહિનામાં 3 લાખ ઘન મીટર નું કામ પૂર્ણ થયું છે. સરસ્વતી નદી ખાતે કામ ઝડપી પૂર્ણ કરવા માટે 75 કામદારો, 7હીટાચી મશીન, બે ડોઝર ,એક જીસીબી, 20 થી વધુ ડમ્પર, ટ્રેક્ટર તેમજ રેતી ધસીને અંદરના ભાગમાં આવે નહીં તે માટે ગેવીયન માટે 50 થી વધુ કામદારોની ટીમ હાલ કામગીરી કરી રહી છે.

રાજ્ય સરકાર દ્વારા સિદ્ધપુરની સરસ્વતી નદીને બે કાંઠે વહેતી કરવા માટે રિવરફ્રન્ટની કામગીરી શરૂ કરવામાં આવી છે. નદી બ્યુટીફિકેશનની કામગીરી એક વર્ષમાં પૂર્ણ કરી સિદ્ધપુરનો પ્રવાસન સ્થળ તરીકે વિકાસ કરવામાં આવશે.