નોકરી…લગ્ન…લાલચ, સુરતમાં સેનેટરી ઇન્સ્પેકટરે પરિણીતા પર આચર્યું દુષ્કર્મ
સુરત: અમિત રૂપાપરા
સુરત: રાજ્યમાં અવારનવાર દુષ્કર્મની ઘટના સામે આવતી રહે છે. ત્યારે સુરતની એક મહિલાને નોકરી અને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરવાની ઘટના સામે આવી છે. સુરતમાં એક મહિલાને નોકરી અને લગ્નની લાલચ આપી સુરત મહાનગરપાલિકાના કતારગામ ઝોનના સેનેટરી ઇન્સ્પેક્ટરે પરિણીતા સાથે દુષ્કર્મ આચર્યું હતું. એકજ સંપ્રદાયમાં સત્સંગ દરમ્યાન બંને વચ્ચે પ્રથમ મુલાકાત થઈ હતી. ત્યારબાદ સેનેટરી ઇન્સપેક્ટરે મહિલાને બ્લેકમેઇલ કરી ધમકી આપી મહિલા સાથે અવાર નવાર દુષ્કર્મ આચર્યું હતું. છેવટે મહિલાએ સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સેનેટરી ઇન્સ્પેકટર ભીખુ અંજારાની ધરપકડ કરી હતી.
મળતી માહિતી અનુસાર સુરતના કડોદરા ખાતે રહેતી 37 વર્ષની બે દીકરીઓની માતા સાથે દુષ્કર્મની ઘટના બની હતી. એક વર્ષ દરમિયાન સુરતના કતારગામ ઝોનમાં સેનેટરી ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા અધિકારીએ બ્લેકમેલ કરી ધમકી આપી અને અનેક વખત દુષ્કર્મ આચર્યું હતું. સેનેટરી ઇન્સ્પેક્ટર અને આ મહિલા બને બ્રહ્મકુમારી ધર્મને માને છે. બંને સૌ પ્રથમ મહાશિવરાત્રિના કાર્યક્રમમાં કતારગામ ખાતે મળ્યા હતા અને ત્યારે વાતચીત થતા મહિલા અને સેનેટરી ઇન્સ્પેક્ટરએ બંને નંબરની આપ લે કરી હતી.
ત્યારબાદ ધીમે ધીમે મિત્રતા થઈ હતી. સાથે-સાથે વાર તહેવારે સેનેટરી ઇન્સ્પેક્ટર ભીખુ અંજારા મીઠાઈ લઈને મહિલાના ઘરે જતા હતા. ત્યારબાદ તેમને અને તેમની દીકરીઓને ફરવા પણ લઈ ગયા હતા. આ દરમિયાન મહિલાના પતિ નાઈટ શિફ્ટમાં હતા. તે દરમિયાન સેનેટરી ઇન્સ્પેક્ટરએ મહિલા સાથે સંબંધ બાંધવા જણાવ્યું હતું અને મહિલા નહીં માનતા તે ફરવા ગયા ત્યારના ફોટા વાયરલ કરી દેવાની ધમકી આપી હતી અને દુષ્કર્મ ગુજાર્યું હતું. ત્યારબાદ મહિલાને લગ્નની લાલચ આપી અવારનવાર સેનેટરી ઇન્સ્પેક્ટર ભીખુભાઈ સોસાયટીમાં આવતા હતા.
જેથી સોસાયટીમાં બધા લોકો વાતો કરશે તેવું મહિલાએ જણાવી ઘરે નહીં આવવા વાત કરી હતી. ત્યારબાદ ભીખુ અંજારાએ ધમકી આપી હતી કે જો તે નહીં માને તો તેમના સંબંધ જાહેર કરી દેશે. ત્યારબાદ સેનેટરી ઇન્સ્પેક્ટર ભીખુ અંજારા સુરત ટેક્સટાઇલ માર્કેટની સામે બ્રિજ નીચે પાલિકાના શૌચાલયમાં બનાવવામાં આવેલી નાની ઓરડીમાં વારંવાર દુષ્કર્મ ગુજારતો હતો. જેનાથી કંટાળી મહિલાએ સલાબતપુરા પોલીસ મથકમાં સેનેટરી ઇન્સ્પેક્ટર ભીખુ મૂળજી અંજારા સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે તાત્કાલિક કતારગામ ઝોનમાં સેનેટરી ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા ભીખો મૂળજી અંજારાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.