December 22, 2024

પાકિસ્તાની શોએબના અફેરથી પરેશાન હતી ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા, આખરે બન્નેના થયા છૂટાછેડા

પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિકે 41 વર્ષની ઉંમરે લગ્ન કર્યા હતા. ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાથી છૂટાછેડા લીધાના 48 કલાક પછી જ શોએબે પાકિસ્તાની અભિનેત્રી સના જાવેદ સાથે લગ્ન કરીને બધાને ચોંકાવી દીધા હતા. હવે એ વાત સામે આવી છે કે શોએબ મલિકનો પરિવાર પણ આ ત્રીજા લગ્નથી ખુશ નથી.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, શોએબ મલિક અને સના જાવેદના લગ્નમાં શોએબના પરિવારે હાજરી આપી ન હતી. એટલું જ નહીં, શોએબ મલિકની બહેનો તેના અને સાનિયાના છૂટાછેડાથી ખુશ નથી, પરિવારના તમામ સભ્યોએ શોએબને તેને છૂટાછેડા ન લેવાની સલાહ આપી હતી. જોકે, આખરે શોએબ અને સાનિયાના છૂટાછેડા થઈ ગયા.

એટલું જ નહીં, એવી પણ માહિતી છે કે સાનિયા મિર્ઝા તેના લગ્ન દરમિયાન શોએબ મલિકના અફેરથી પરેશાન હતી. લગ્ન દરમિયાન પણ શોએબ મલિકનું નામ ઘણી છોકરીઓ અને અભિનેત્રીઓ સાથે જોડાયું હતું, આથી સાનિયા મિર્ઝા તેમનાથી ખૂબ નારાજ હતી. આ જ કારણ હતું કે તેમના સંબંધોમાં તિરાડ સતત વધી રહી હતી અને છેલ્લા દોઢ વર્ષથી તેમના અલગ થવાની વાતો ચાલી રહી હતી.

લગ્નના થોડા સમય પહેલા જ છૂટાછેડા થયા હતા

શોએબ મલિકના પરિવાર તરફથી એવી પણ માહિતી મળી છે કે શોએબ મલિક અને સાનિયા મિર્ઝાના છૂટાછેડા થઈ ગયા છે. બંનેએ પરસ્પર સંમતિથી પોતાના સંબંધો પર પૂર્ણવિરામ મૂક્યું છે અને છૂટાછેડા ફાઈનલ થઈ ગયા છે. આ પછી શોએબ મલિકે પાકિસ્તાની અભિનેત્રી સના જાવેદ સાથે લગ્ન કર્યા, આ પણ સનાના બીજા લગ્ન છે.

શોએબ-સાનિયાના છૂટાછેડા પછી, તેમનો પુત્ર ઇઝાન હવે દુબઈમાં રહેશે અને તે બંને તેમના ઉછેરનો ખર્ચ ઉઠાવશે. શોએબ મલિક અને સના જાવેદના લગ્નની વાત કરીએ તો બંનેએ 18 જાન્યુઆરીએ કરાચીમાં લગ્ન કર્યા હતા, શોએબ મલિકના આ ત્રીજા લગ્ન છે. સાનિયા મિર્ઝા સાથે લગ્ન કરતા પહેલા પણ તેણે એકવાર લગ્ન કર્યા હતા.