December 22, 2024

સંભલ જામા મસ્જિદ કેસમાં SCએ મુસ્લિમ પક્ષને હાઈકોર્ટ જવા કહ્યું, નીચલી કોર્ટને આપ્યો આ આદેશ

Delhi: સુપ્રીમ કોર્ટે યુપીના સંભલ શાહી મસ્જિદ કેસમાં દરમિયાનગીરી કરતા નીચલી કોર્ટને આ કેસની વધુ સુનાવણી ન કરવા જણાવ્યું છે. આ કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું, ‘જ્યાં સુધી અલ્હાબાદ હાઈકોર્ટ આદેશ ન આપે ત્યાં સુધી નીચલી કોર્ટે કેસની સુનાવણી ન કરવી જોઈએ. તેમજ સુપ્રીમ કોર્ટે મુસ્લિમ પક્ષને હાઈકોર્ટમાં જવા માટે કહ્યું છે. સુપ્રીમ કોર્ટે આ કેસને પેન્ડિંગ રાખ્યો છે અને હવે તેની સુનાવણી 8 જાન્યુઆરી પહેલા થશે. કોંગ્રેસ પાર્ટીએ સંભલ કેસમાં સુપ્રીમ કોર્ટના નિર્ણયનું સ્વાગત કર્યું છે.

કોંગ્રેસના લોકસભા સાંસદ તારિક અનવરે જણાવ્યું હતું કે, ‘અજમેર શરીફ અને અન્ય સ્થળોએ મુસ્લિમ સમુદાયના ધાર્મિક સ્થળોને જે રીતે નિશાન બનાવવામાં આવી રહ્યા છે તેના પર સુપ્રીમ કોર્ટે ધ્યાન આપવું જોઈએ.’

આ પણ વાંચો: મસ્જિદ કે હરિહર મંદિર? સર્વે રિપોર્ટ આજે રજૂ થશે, હાઈ એલર્ટ પર સંભલ

સુપ્રીમ કોર્ટે સંભલની મેનેજમેન્ટ કમિટીને શાહી ઈદગાહ મસ્જિદ કેસમાં નીચલી કોર્ટના આદેશ સામે હાઈકોર્ટનો સંપર્ક કરવા જણાવ્યું છે. સુનાવણી દરમિયાન CJIએ કહ્યું, ‘જ્યાં સુધી તેઓ હાઈકોર્ટમાં ન જાય ત્યાં સુધી અમે નથી ઇચ્છતા કે કઈ થાય. નીચલી અદાલત તેના આદેશનો અમલ નહીં કરે. CJIએ કહ્યું કે અમે કેસની મેરિટ પર કંઈ કહી રહ્યા નથી. શાહી મસ્જિદ પ્રબંધન સમિતિને હાઈકોર્ટમાં જવા કહ્યું. 8 જાન્યુઆરી પહેલા નીચલી કોર્ટમાં આ કેસમાં કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં. ત્યાં સુધી શાહી મસ્જિદ સમિતિએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવી જોઈએ નહીં.