December 23, 2024

સલમાન ખાનને ફરી મળી જાનથી મારી નાખવાની ધમકી, મુંબઈ, નોઈડા અને દિલ્હી કનેક્શન!

Salman Khan Death Threat: બોલિવૂડ એક્ટર સલમાન ખાનને ફરી એકવાર જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આ ધમકી બાબા સિદ્દીકીના પુત્ર જીશાન સિદ્દીકીના ફોન પર આપવામાં આવી છે. પોલીસે ધમકીના મામલામાં નોઈડામાંથી એક વ્યક્તિની ધરપકડ કરી છે. હાલ આ ધમકીનો દોર મુંબઈ, નોઈડા અને દિલ્હી સાથે જોડાયેલો જણાય છે.

મંગળવારે સવારે બાંદ્રા ઇસ્ટમાં જીશાન સિદ્દીકીના જનસંપર્ક કાર્યાલયના ફોન પર સલમાન ખાન સામે ધમકી મળી હતી. પોલીસે આ કેસમાં ગુરફાનની ધરપકડ કરી છે. બીજા કેસમાં એવો આરોપ છે કે મોહમ્મદ તૈયબે મુંબઈ કંટ્રોલ રૂમ નંબર પર મેસેજ કર્યો હતો કે, “અમે સલમાન ખાનને છોડીશું નહીં, ખૂબ જ ખરાબ થશે, અમે છેલ્લી ચેતવણી આપી રહ્યા છીએ.”

નોઈડા સેક્ટર 39માંથી આરોપીની ધરપકડ
મેસેજ આવતાની સાથે જ મુંબઈ પોલીસ એલર્ટ પર આવી અને તરત જ તે નંબરનું લોકેશન ટ્રેસ કરવાનું શરૂ કર્યું. મોબાઈલનું લોકેશન દિલ્હીને અડીને આવેલા નોઈડાના સેક્ટર 92નું હોવાનું જાણવા મળ્યું હતું. મુંબઈ પોલીસે તરત જ નોઈડા પોલીસનો સંપર્ક કર્યો અને ધમકી આપનાર વ્યક્તિની વિગતો શેર કરી. જે બાદ પોલીસે આરોપી તૈયબની નોઈડાના સેક્ટર 39માંથી ધરપકડ કરી હતી.

થોડા પૈસા માટે ધમકીભર્યો મેસેજ મોકલ્યો
નોઈડા પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી મોહમ્મદ તૈયબ બરેલીનો રહેવાસી છે અને હાલમાં તે નોઈડામાં એક ઘરમાં સુથારનું કામ કરતો હતો. તૈયબે પૂછપરછ દરમિયાન જણાવ્યું કે તે દિલ્હીના કર્દમપુર વિસ્તારમાં તેના કાકા સાથે રહેતો હતો. મુંબઈ પોલીસ અને નોઈડા પોલીસ મોહમ્મદ તૈયબની સંયુક્ત પૂછપરછ કરી રહી હતી. તૈયબે પૂછપરછ દરમિયાન જણાવ્યું કે તેણે આ મેસેજ મજાકમાં મોકલ્યો હતો જેથી તે આ બહાને પૈસા મેળી શકે.

પોલીસના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીની તપાસમાં મોહમ્મદ તૈયબનું લોરેન્સ કે અન્ય કોઈ ગેંગસ્ટર સાથે કોઈ કનેક્શન બહાર આવ્યું નથી. મુંબઈ પોલીસ આરોપી તૈયબને ટ્રાન્ઝિટ રિમાન્ડ પર મુંબઈ લઈ જઈ રહી છે. મુંબઈ પોલીસને શંકા છે કે આરોપી પોલીસને ગેરમાર્ગે દોરવા ખોટું બોલી રહ્યો છે. આવી સ્થિતિમાં આરોપી મોહમ્મદ તૈયબની કડક પૂછપરછ બાદ જ કેસના સ્તરો સ્પષ્ટ થશે.