December 26, 2024

અમદાવાદમાં મોબાઇલ ચોરી માટે પણ નોકરી, પગાર 25000

મિહિર સોની, અમદાવાદ: મોબાઈલ ચોરી કર્યા બાદ જો કેસ થાય તો પોલીસ કાર્યવાહી કરે છે. પરંતુ મોબાઈલ ચોરીને લઈને હાલ એક એવા સમાચાર છે સામે આવ્યા છે જેના વિશે જાણીને તમે પણ વિચારતા થઈ જશો. મોબાઈલ ચોરી કરવા માટે પણ તાલીમ આપવામાં આવે છે અને આ ચોરી કરવા માટે પગાર પેટે મહિને 25 હજાર રૂપિયા આપવામાં આવે છે. તો આવો જાણીએ કોણ છે આ કોણ છે આ મોબાઈલ ચોર જે ગુજરાતમાં સ્પેશિયલ મોબાઈલ ચોરી કરવા આવતા અને ચોરીના મોબાઈલ બાંગ્લાદેશ અને નેપાળ મોકલતા હતા.

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એક એવી મોબાઈલ ચોર ગેંગ ના બે સાગરીતોને ઝડપી પાડ્યા છે, જેઓ મોંઘામાં મોંઘા મોબાઈલની ચોરી કરી તે મોબાઈલ કુરિયર કે રેલવે પાર્સલ દ્વારા નેપાળ કે બાંગ્લાદેશ મોકલતા હતા. જોકે, અમદાવાદ પોલીસે હાલ આ બે આરોપીની ધરપકડ કરી લીધી છે. નોંધનીય છે કે, આ બન્ને આરોપી ચોર ગેંગના તાલીમ બદ્ધ સાગરીત છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આ બંને ને અમદાવાદના જમાલપુર ફૂલ બ્રિજ પાસેથી ઝડપી પાડ્યા છે, તેઓ પાસેથી ચોરીના 58 મોબાઈલ જપ્ત કર્યા છે.

ઝડપાયેલા આરોપી ઝારખંડના રહેવાસી 

ઝડપાયેલા આરોપી ના નામ અવિનાશ રાજુ મ્હાતો, ઉંમર- 19 વર્ષ અને શ્યામ કુમાર સંજય રામ ગણેશરામ કુરમી, ઉંમર -26 વર્ષ છે..આ બંને મૂળ ઝારખંડના સાહેબગંજના રહેવાસી છે, પરંતુ હાલ સુરતના રેલવે ફાટક પાસે રહેતા હતા. અવિનાશ મ્હાતોનો ભાઈ પિન્ટુ રાજુ મ્હાતો તથા તેનાજ ગામમાં રહેતા રાહુલ દુખું મ્હાતો રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં મોબાઈલ ચોરી કરી તેના ગામમાં રહેતા શેખર મ્હાતો પાસે મોબાઈલના લોક ખોલી, બાંગ્લાદેશ કે નેપાળ વેચી દેતા. આરોપી રાહુલ દુખું મ્હાતોએ આ બંનેને સાથે મોબાઈલ ચોરી કરવા આવશે તો મહિને રૂપિયા 25 હજારનો પગાર આપવાનું કહ્યું હતું,અને ગુજરાતમાં મોબાઈલ ચોરી માટે સક્રિય કર્યા હતા.

મોબાઈલ ચોરી કરવા આપવામાં આવતી હતી તાલીમ

મોબાઈલ ચોર ગેંગના મુખ્ય સૂત્રધારો ઝારખંડના સાહેબગંજ જિલ્લાના આજુબાજુના ગામડાઓના યુવાનોને એકત્ર કરી તેઓને મુખ્ય સૂત્રધારો દ્વારા મોબાઇલ ચોરીની સુનિયોજિત તાલીમ આપવામાં આવતી અને ત્યાર બાદ ચારથી પાંચની ટીમ ગુજરાતના અલગ-અલગ શહેરોમાં ઉતારતી. જેઓ ભીડ ભાડ વાળી જગ્યાઓ પરથી મોબાઈલની ચોરી કરતા. એક વ્યક્તિ ભીડથી દુર બેગ લઈ ઉભો રહે, એક વ્યક્તિ ભીડ માંથી મોબાઈલની ચોરી કરે તે બીજા ને આપે, તે ભીડથી દુર બેગ લઈને ઉભેલા ગેંગના ત્રીજા સાગરીત પાસે મોબાઈલ જમા કરાવી દે, પછી બીજો ચોર શોધે, જો ચોરી કરતા પકડાઈ જાય તો આસપાસ વાળા ગેંગના સાગરીતો ફરાર થઇ જતાં નહીં તો શિકાર જારી રાખતા, ટાર્ગેટ પૂર્ણ થતાં કુરિયર કે રેલવે પાર્સલ મારફતે મોબાઈલ પોતાના ટેક્નિશિયન પાસે મોકલી આપતા ત્યાંથી તે લોક ખોલી બાંગ્લાદેશ કે નેપાળ મોકલી આપતા હતા.

બંને પાસેથી જપ્ત કરેલા 58 મોબાઈલ પૈકી ગુજરાતમાંથી ચોરાયેલ 19 મોબાઈલ ચોર ના કેસ નો ભેદ ઉકેલવામાં આવ્યો છે. અન્ય મોબાઈલ ચોરીના ગુનાઓ અને અન્ય આરોપીઓ વિશે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.