February 22, 2025

સાળંગપુર હનુમાનજી મંદિરે 500 કિલો કેસુડાના ફૂલોથી દાદાનો કેસરિયો શણગાર

સાળંગપુર: સાળંગપુર હનુમાનજી મંદિરે શનિવાર નિમિત્તે દાદાને દિવ્ય શણગાર કરવામાં આવ્યો છે, દાદાને 500 કિલો કેસુડાના ફૂલોથી દાદાનો કેસરિયો શણગાર કરાયો છે. તેમજ 200 કિલો ધાણી – ખજૂર અને ડાળીયાનો અન્નકૂટ ધરાવાયો છે. ત્યારે વહેલી સવારથી ભક્તો દાદાના દિવ્ય શણગારના દર્શન કરી રહ્યાં છે.

બોટાદ જિલ્લામા આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં આજે ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. હનુમાનજી દાદાને 500 કિલો કેસુડાના કેસરી ફૂલોથી શણગારવામાં આવ્યા હતા. આ વિશેષ શણગાર માટે કેસુડાના ફૂલો દાહોદ, પંચમહાલ અને નર્મદા વિસ્તારમાંથી લાવવામાં આવ્યા હતા.

મંદિરના સંતો અને હરિભક્તોએ ત્રણ કલાક સુધી સતત મહેનત કરીને દાદાનો આ દિવ્ય શૃંગાર પૂર્ણ કર્યો. હનુમાનજીને ભવ્ય કેસુડાના ફૂલોના વાઘા પહેરાવવામાં આવ્યા. વિશેષ રૂપે 200 કિલો ધાણી, ખજૂર અને ડાળીયાનો અન્નકૂટ પણ ધરાવવામાં આવ્યો.

વહેલી સવારથી જ ભક્તોનો પ્રવાહ મંદિરમાં ઉમટ્યો હતો. ભક્તોએ મોટી સંખ્યામાં હનુમાનજી દાદાના દિવ્ય શણગાર અને અન્નકૂટના દર્શનનો લાભ લીધો હતો. આ વિશેષ શણગારથી સમગ્ર મંદિર પરિસર ભક્તિમય વાતાવરણથી તરબતર બની ગયું હતું.