સૈફ અલી ખાનને ICUમાં ખસેડાયો, શરીરની અંદર હતો છરીનો ટૂકડો; ડોક્ટરોએ શું કહ્યું?
Saif ALi Khan: લીલાવતી હોસ્પિટલે બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાનના સ્વાસ્થ્ય અંગે અપડેટ આપ્યું છે. હોસ્પિટલે કહ્યું છે કે સૈફને ઓપરેશન થિયેટરમાંથી ICUમાં ખસેડવામાં આવ્યો છે. તેને બે ગંભીર ઈજાઓ થઈ છે. ન્યુરો સર્જરી થઈ ગઈ છે. સૈફની હાલત સારી છે અને તે સ્વસ્થ થઈ રહ્યો છે. સૈફના શરીરની અંદર છરીનો ટુકડો હતો, જેને કાઢી નાખવામાં આવ્યો છે. છરીનો અઢી ઇંચનો ટુકડો કરોડરજ્જુમાં હતો.
સૈફ અલી ખાનની ટીમે પણ તેમના સ્વાસ્થ્ય અંગે સત્તાવાર નિવેદન જારી કર્યું છે. ટીમે કહ્યું છે કે સૈફ અલી ખાન ખતરામાંથી બહાર છે. હાલમાં તેમની તબિયત સારી છે અને ડોકટરો તેમની હેલ્થ પર નજર રાખી રહ્યા છે. પરિવારના બધા સભ્યો સુરક્ષિત છે અને પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે.
પોલીસ સૈફ અને ડોક્ટરોના નિવેદન લેશે
આ દરમિયાન, પોલીસ સૈફ અલી ખાનનું નિવેદન લેવા માટે લીલાવતી હોસ્પિટલ પહોંચી ગઈ છે. તે ડૉક્ટરનું નિવેદન પણ લેશે. પરિવારના સભ્યોની પણ પૂછપરછ કરવામાં આવશે. સોસાયટીના ચેરમેન અને સેક્રેટરીને સમન્સ પાઠવવામાં આવ્યા છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમ અને એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ દયા નાયક સમગ્ર કેસની તપાસ કરી રહ્યા છે.
આ પણ વાંચો: સૈફ-કરીનાને લઈને નફરત…. કોંગ્રેસ સાંસદ ઈમરાન પ્રતાપગઢીએ આ શું કહ્યું…?
મુંબઈ પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર, સૈફ અલી ખાનના ઘરનો તમામ સુરક્ષા સ્ટાફ, ઘરની મેડ બધા શંકાના દાયરામાં છે, કારણ કે આટલી સુરક્ષા હોવા છતાં હુમલાખોર ઘરમાં કેવી રીતે ઘુસી ગયો. સ્થાનિક પોલીસે સૈફ અલી ખાનના ઘરના તમામ સીસીટીવી ફૂટેજના ડીવીઆર તપાસ માટે કબજે કર્યા છે. ક્રાઈમ બ્રાન્ચ સૈફ અલી ખાનના ઘરની આસપાસના તમામ સીસીટીવી ફૂટેજ સ્કેન કરી રહી છે.