January 21, 2025

સૈફ અલી ખાનને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી, હુમલાના 5 દિવસ બાદ ઘરે પરત ફર્યો સૈફ

Saif Ali Khan Attack: બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન પર છરી વડે હુમલાની ઘટનાના પાંચ દિવસ બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આજે મંગળવાર, 21 જાન્યુઆરીએ અભિનેતા પોતાના ઘરે પરત ફર્યો છે. હુમલા બાદ તેને સારવાર માટે લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. લગભગ પાંચ દિવસ હોસ્પિટલમાં સારવાર મેળવ્યા બાદ આજે તેઓ ઘરે પરત ફર્યો છે. અભિનેતાની હાલતમાં સુધારો થઈ રહ્યો છે.

હુમલામાં સૈફ અલી ખાનને ગંભીર ઈજાઓ થઈ હતી
16 જાન્યુઆરીની સવારે એક હુમલાખોરે સૈફ અલી ખાન પર ચાકુ વડે અનેક ઘા મારી હુમલો કર્યો હતો. અભિનેતા ખરાબ રીતે ઘાયલ થયો હતો. તેને ગરદન અને કરોડરજ્જુના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. લીલાવતી હોસ્પિટલમાં તેની સારવાર કરવામાં આવી હતી, જ્યાં તેની કલાકો સુધી સર્જરી કરવામાં આવી હતી. ડૉક્ટરોએ જણાવ્યું કે હુમલામાં સૈફને ત્રણ જગ્યાએ ઈજા થઈ છે. હાથ પર બે ઇજાઓ, એક ગરદનની જમણી બાજુએ. આ ઉપરાંત કરોડરજ્જુમાં ગંભીર ઈજા થઈ હતી.

સૈફ અલી ખાનની સર્જરી દરમિયાન ડોક્ટરોએ તેની કરોડરજ્જુમાં ફસાયેલી તીક્ષ્ણ વસ્તુને કાઢી હતી. સર્જરી બાદ સૈફ અલી ખાનને 17 જાન્યુઆરીએ ICUમાં શિફ્ટ કરવામાં આવ્યો હતો. આ પછી તેને સામાન્ય રૂમમાં શિફ્ટ કરવામાં આવ્યો હતો. લગભગ પાંચ દિવસ પછી સૈફને ઘરે મોકલી દેવામાં આવ્યો છે. હાલ સૈફની હાલત પહેલા કરતા સારી છે.