December 26, 2024

કુવૈતમાં અટકાયત કરાયેલો એક યુવાન માદરે વતન પહોંચ્યો, કહ્યુ – સાત દિવસ જેલમાં રહ્યો

સાબરકાંઠાઃ કુવૈતમાં 10 જેટલા ગુજરાતીઓની તાત્કાલિક અટકાયત કરવામાં આવી હતી. તેમાંથી એક વ્યક્તિ પોતાના માદરે વતન આવી પહોંચ્યો છે અને તેણે ત્યાંની સમગ્ર પરિસ્થિતિ વિશે માહિતી આપી છે. જાણો શું કહ્યુ…

સાબરકાંઠા જિલ્લાના વિજયનગરના 10 લોકોની કુવૈતમાં અચાનક અટકાયત કરી નાંખવામાં આવી હતી. ત્યારે તેમાંથી 1 યુવક માદરે વતન પહોંચ્યો છે. અલપેશ મોઢપટેલ નામનો યુવાન દઢવાવ ગામ માદરે વતન પહોંચ્યો છે. તેણે જણાવ્યુ છે કે, હજુ કુવૈતમાં 1500થી વધુ લોકો બંધક બનાવીને રાખવામાં આવ્યા છે. દરરોજ 15થી 20 લોકોને સ્વદેશ મોકલી દેવામાં આવી રહ્યા છે.

તેઓ વધુમાં જણાવે છે કે, ‘ફિંગર પ્રિન્ટ લઈને તમામને સ્વદેશ પરત મોકલવામાં આવી રહ્યા છે. એટલે હવે ક્યારેય ભવિષ્યમાં કુવૈત જઈ શકાશે નહીં. સ્થાનિક કક્ષાએ ત્યાં બહુ જ ભયાનક પરિસ્થિતિ છે. મને સાત દિવસ સુધી જેલમાં રાખવામાં આવ્યો હતો.’

કુવૈત સરકારે કરી હતી કાર્યવાહી
સાબરકાંઠાના વિજયનગરના 10 જેટલા યુવકોને કુવૈત સરકાર દ્વારા અચાનક રાત્રિના સમયે વીજલાઈન કાપી નાંખી હતી. ત્યારબાદ તમામને ખાનગી જગ્યામાં લઈ જતા ભારે હંગામો સર્જાયો છે. કુવૈત વહીવટી તંત્ર દ્વારા તાજેતરમાં લાગેલી આગના પગલે વસ્તી ગીચતા દૂર કરવા માટે લેવાયેલા આ પગલાથી અંદાજિત 700થી વધારે લોકો વહીવટી તંત્ર થકી પરેશાની ભોગવી રહ્યા છે. સાબરકાંઠા જિલ્લા વહીવટી તંત્ર સહિત રાજ્યસભા તેમજ લોકસભા સાંસદ તેમજ પ્રધાનમંત્રી, ગૃહ મંત્રી સહિત વિદેશ મંત્રાલયને આ મામલે જાણ કરી છે.