NewsCapital Reality Check: સાબરકાંઠાના સૂર્યનગર કંપામાં લાખોના ખર્ચે બનેલું આરોગ્ય કેન્દ્ર ખંડેર, તંત્રની લાલિયાવાડી

ચિરાગ મેઘા, સાબરકાંઠાઃ એક તરફ આરોગ્ય વિભાગ લાખો કરોડો રૂપિયા ખર્ચીને છેવાડાના ગામડાઓ સુધી પાકી ઇમારતો સહિત આરોગ્ય માટે પાયાની સુવિધાઓ ઊભી કરી રહી છે. તો બીજી તરફ આજેપણ એવા કેટલાય ગામડા છે. જ્યાં આરોગ્યની સુવિધાઓ હોવા છતાં કર્મચારીના અભાવે ખંડેર હાલતમાં ફેરવાઈ રહ્યા છે. વાત છે સાબરકાંઠાના ઈડરના સૂર્યનગર કંપાની કે જ્યાં પાયારૂપ સુવિધાઓ હોવા છતાં આરોગ્ય કર્મચારી વિના કેટલાય દર્દીઓને ધર્મધક્કા થઈ રહ્યા છે.

સાબરકાંઠા આરોગ્ય વિભાગ દ્વારા ગુજરાત તેમજ રાજસ્થાનની બોર્ડર ઉપર ઈડર તાલુકાનું અંતરિયાળ એવું છેવાડાનું ગામ એટલે સુર્યનગર કંપા. જો કે, આ ગામમાં લાખો રૂપિયાના ખર્ચે આજથી છ વર્ષ પહેલા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર બનાવાયું હતું. જો કે, મોટા ઉપાડે બનાવેલું આ સેન્ટર આજની તારીખે ખંડેર હાલતમાં ફેરવાઈ ચૂક્યું છે. આ સેન્ટરમાં જાળી-ઝાંખરા તેમજ કાંટાળી વનસ્પતિઓથી સમગ્ર પરિસર ઢંકાઈ ચૂક્યું છે.

આ પણ વાંચોઃ પાટણ જનરલ હોસ્પિટલમાં ડોક્ટરોની લાલિયાવાડી, સમયસર હાજર ન રહેતા દર્દીઓને હાલાકી

આ સાથે કોઈપણ વ્યક્તિ આરોગ્ય સેવા લેવા આવે તો વિલા મોઢે પાછો ફરે છે. કેમ કે, છેલ્લા કેટલાય વર્ષોથી અહીં કોઈ મેડિકલ સ્ટાફ હાજર ન રહેતો હોવાના પગલે લોકોને મેડિકલ સારવાર વિના જ પરત ફરવું પડે છે. તેમજ નજીકના સેન્ટર સહિત ઇડર અને હિંમતનગર સુધી લાંબા થવું પડતું હોય છે. જો કે, સ્થાનિકો આજે પણ સ્વીકારે છે કે, પાયારૂપ સુવિધા હોવાની સાથે સાથે જો આરોગ્ય કર્મચારી હોય તો સ્થાનિક કક્ષાએ ઘણા બધા લોકોને આરોગ્યની સેવાઓ મળી શકે છે.

આ પણ વાંચોઃ અરવલ્લીના આરોગ્ય કેન્દ્રોમાં લાલિયાવાડી, બેદરકાર ડોક્ટરો-સ્ટાફથી દર્દીઓ પરેશાન

દરેક વ્યક્તિ માટે આરોગ્યની સેવાને પ્રાથમિકતા અપાતી હોય છે. જો કે, રાજ્ય સરકાર દ્વારા છ વર્ષ અગાઉ લાખો રૂપિયાના ખર્ચે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર બનાવાયું છે. આ સાથે તાજેતરમાં સોલર રૂફ ટોપ પણ નાંખવામાં આવી છે. જો કે, તમામ ખર્ચો જાણે કે શોભાના ગાંઠીયા સમાન હોય તેમ હજુ પણ સ્થાનિક કક્ષાએ આરોગ્ય કર્મચારીઓ ન હોવાના પગલે સમગ્ર આરોગ્ય મંદિર દેખાવ માટે બનાવાયું હોય તેમ છે. એક તરફ કેટલાય દર્દીઓ અંતરિયાળ વિસ્તાર હોવાની સાથોસાથ રાજસ્થાનથી અડીને આવેલું હોવાના પગલે આરોગ્યની સેવાઓ લેવા આવે છે. બીજી તરફ આરોગ્ય સેવાઓ ન મળતા વિલા મોઢે પરત ફરે છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા કરાયેલો ખર્ચો માત્ર દેખાવ માટેનો હોય એવું કહીએ તો ખોટું નથી.

રાજસ્થાન તેમજ ગુજરાત બોર્ડર ઉપર આવેલા આ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરની હાલત જોઈ તાત્કાલિક ધોરણે મેડિકલ ટીમ ફાળવવાની જરૂરિયાત છે. ત્યારે જોવું એ રહે છે કે, આ રિપોર્ટ પ્રસિદ્ધ થયા બાદ પણ વહીવટી તંત્રનું પેટનું પાણી હલે છે કે પછી હોતી હૈ ચલતી હૈ નીતિ અપનાવી આ વાતને પણ ભુલાવી દેવાશે.