પ્રાંતિજ-સાંપડ રોડ પર ઓવરલોડ વાહનોથી ખેતીને નુકસાન, વારંવાર રજૂઆત છતાં તંત્ર નિંદ્રામાં!
ચિરાગ મેઘા, સાબરકાંઠાઃ જિલ્લાના પ્રાંતિજ-સાંપડ રોડ પર ઓવરલોડ વાહનોથી ખેડૂતો સહિત સ્થાનિકો પરેશાન થઈ રહ્યા છે. આ મામલે અનેકવાર રજૂઆત કરવા છતાં નિવેડો ન આવતા આવેદનપત્ર આપી તંત્રને રજૂઆત કરવામાં આવી છે. ઓવરલોડ વાહનો પસાર થતા રસ્તાઓ બિસ્માર હાલતમાં થતાં અવારનવાર અકસ્માત સહિત સ્થાનિકો ખાડારાજમાંથી પસાર થવા મજબૂર બની રહ્યા છે.
પ્રાંતિજથી સાંપડ ગામ તરફના રોડ પર ઓવરલોડ વાહનોની ભારે અવરજવર થઈ રહી છે. ત્યારે સાંપડ, મોયદ, પીલુદરા, પ્રાંતિજ ગામોના ખેડૂતો અને સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે. ઓવરલોડ રેતી ભરેલા વાહનોને કારણે રસ્તો બિસ્માર થઈ રહ્યો છે. આ સાથે ખાડારાજને પગલે રોડ પર અવારનવાર અકસ્માત સહિત સ્થાનિકોને પસાર થવું ખૂબ મુશ્કેલ બની રહ્યું છે.
રોડ પરથી કેપેસિટી કરતા ઓવરલોડ વાહનો પસાર થતાં રોડની બાજુમાં ખેડૂતોની ખેતીને નુકસાન થતું હોવાની તંત્રમાં રજૂઆત કરવામાં આવી છે. કોબીજ, ફુલાવર સહિત શાકભાજીનાં પાકોને બિસ્માર રોડને કારણે ભારે નુકસાન થતું હોવાની રજૂઆત કરવામાં આવી છે. આ મામલો ખેડૂતો અને સ્થાનિકોએ અનેકવાર તંત્રમાં રજૂઆત કરી છતાં કોઈપણ પ્રકારનો નિવેડો ન આવતા સ્થાનિકો સહિત ખેડૂતોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી યોગ્યની રજૂઆત કરી છે.