સાબરકાંઠા ઉમેદવારના વિવાદનો અંત, CMએ કહ્યું – ઉમેદવાર નહીં બદલાય
મલ્હાર વોરા, ગાંધીનગરઃ સાબરકાંઠામાં ભાજપ પક્ષના ઉમેદવારને લઈને છેલ્લા કેટલાક દિવસોથી ભારે માથાકૂટ ચાલી રહી છે. ભાજપ પક્ષના કાર્યકતાઓ દ્વારા શોભનાબેન બારૈયાને ટિકિટ આપવાને લઈને નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે આજે રાજ્યના મુખ્યમંત્રી સાબરકાંઠાના તમામ હોદ્દેદારોને બેઠક માટે બોલાવ્યા હતા. જ્યાં મુખ્યમંત્રી અને ભાજપ પ્રદેશ પ્રમુખે તમામ કાર્યકતાઓ અને આગેવાનોને એકપછી એક સાંભળ્યા હતા. ભાજપ પ્રદેશ પ્રમુખ સહિત મુખ્યમંત્રીએ તમામ લોકોને ઠપકો આપીને ઉમેદવાર નહીં બદલાય અને તમામ લોકો ચૂંટણીલક્ષી કામગીરીમાં જોડાય જાય તેવી સૂચના આપી છે.
બનાસકાંઠામાં ભીખાજી ઠાકોરના સમર્થકો સહિત અન્ય ભાજપના કાર્યકતાઓ દ્વારા ભાજપના ઉમેદવાર શોભનાબેન બારૈયાનો વિરોધ કરી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી ચાલતા આ વિરોધને પગલે ગઈકાલે રાજ્યના ગૃહમંત્રી પણ સાબરકાંઠા પહોંચ્યા હતા અને સ્થાનિક કાર્યકતાઓ સાથે બેઠક કરી હતી. તેમ છતાં વિવાદ શાંત ન પડતા રાજ્યના મુખ્યમંત્રીએ સાબરકાંઠા જિલ્લાના તમામ ભાજપ પક્ષના હોદ્દેદારો, પ્રમુખ, આગેવાનો સહિત મહામંત્રીઓને બેઠક માટે બોલાવ્યા હતા. આ બેઠક સાડા ત્રણ કલાક ચાલી હતી. જેમાં મુખ્યમંત્રી અને ભાજપ પ્રદેશ પ્રમુખે તમામનો ક્લાસ લીધો હતો.
આ પણ વાંચોઃ સુરતમાં હજારો વર્ષ જૂનાં ચલણી સિક્કા-નોટનું પ્રદર્શન, હજારો લોકો ઉમટ્યાં
બેઠક પૂર્ણ થયા બાદ તમામ હોદ્દેદારો, પ્રમુખ, આગેવાનો સહિત ક્લસ્ટર પ્રભારી બહાર નીકળ્યા હતા. પરંતુ એકપણ લોકોએ મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપી ન હતી. પરંતુ ભીખાજી ઠાકોરે સહિત બેઠકમાં હાજર તમામ આગેવાનો ન્યૂઝ કેપિટલના કેમેરામાં કેદ થયા હતા. જેમાં ભીખાજી ઠાકોરે ન્યૂઝ કેપિટલના કેમેરા સામે બોલવાનું ટાળ્યું હતું અને માત્ર કહ્યું હતું કે, આ મામલે કશું કહેવું નથી. સંગઠન આ મામલે પ્રતિક્રિયા આપશે. એમ કરીને પોતાનો બચાવ કરીને ગાડીમાં બેસીને રવાના થયા હતા.
આ પણ વાંચોઃ ગબ્બરમાં 20 કરોડના ખર્ચે બનશે નવા પગથિયાં, સ્ટ્રીટ લાઇટ-સીસીટીવી પણ મૂકશે
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, બેઠકમાં ભાજપ પ્રદેશ પ્રમુખ અને મુખ્યમંત્રી તમામની ઝાટકણી કાઢી હતી અને સૂચના આપી હતી કે, ઉમેદવાર નક્કી કરવા માટે તમારે કોઈ મહેનત કરવાની જરૂર નથી. ઉમેદવાર નક્કી કરવાનું કામ પાર્ટી હાઈ કમાન્ડનું છે. હાલ ઉમેદવાર બદલાવામાં આવશે નહીં, જેથી તમામ કાર્યકતાઓ ઉમેદવારને પાંચ લાખની લીડથી જીતાડવાની કામગીરીમાં જોડાય જાય તેવી ટકોર કરી હતી.