January 10, 2025

સાબરકાંઠામાં રખડતા પશુઓ બન્યાં યમરાજ! દેરાણી-જેઠાણી પર હુમલો

ચિરાગ મેઘા, સાબરકાંઠાઃ જિલ્લાના હિંમતનગરમાં છેલ્લા કેટલાય સમયથી રખડતા પશુઓનો ત્રાસ યથાવત છે. ત્યારે હવે સ્થાનિક જનતાને ભારે ભોગવવાનું થયું હોય તેમ બે મહિલાઓને આખલાઓએ શિંગડે ભરાવતા એક મહિલાને હાથ ઉપર ગંભીર ઇજાઓ પહોંચી છે. જો કે, હિંમતનગરના હાર્દ સમા પોલો ગ્રાઉન્ડમાં સતત રખડતા પશુઓનાં ત્રાસના પગલે હવે સ્થાનિકોમાં ભારે વિરોધ જોવા મળ્યો છે. આ સાથે આગામી સમયમાં ચૂંટણી બહિષ્કાર સુધીની વાત પણ ઉચ્ચારી ચૂક્યા છે.

સાબરકાંઠાના હિંમતનગરના પોલો ગ્રાઉન્ડ વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી રખડતા પશુઓના ત્રાસથી સ્થાનિકો ભારે પરેશાન થઈ ચૂક્યા છે. એક તરફ રાજ્ય સરકાર દ્વારા રખડતા પશુઓ મામલે હજી સુધી કોઈ ચોક્કસ નિર્ણય લેવાયો નથી. ત્યારે આખલાઓ દ્વારા બે મહિલાઓ ઉપર અચાનક હુમલો કરતા તેમાંથી એક મહિલાને હાથ ઉપર ગંભીર ઇજાઓ પહોંચી છે.

દેરાણી-જેઠાણી ઘરે આવી રહ્યા હતા, તે દરમિયાન અચાનક રખડતા આખલાએ પાછળથી હુમલો કરતા જેઠાણીને બચાવવા જતા દેરાણીને હાથે ફ્રેક્ચર થવાની સાથે ગંભીર ઇજાઓ પહોંચી છે. તેના પગલે હાલમાં ગંભીર રીતે ઘાયલ થયેલી યુવતી પાલિકા સામે આ મામલે ચોક્કસ કામગીરી કરવાની રજૂઆત કરી હતી. વહીવટી તંત્ર સામે ભારે વિરોધ દર્શાવ્યો છે.

એક તરફ પાલિકા દ્વારા છેલ્લા કેટલાય સમયથી હિંમતનગર નગરપાલિકાના હાર્દ સમાન ગણાતા પોલો ગ્રાઉન્ડમાં સુવિધા પહોંચાડવામાં ઉણી ઉતરી છે. તો બીજી તરફ સ્થાનિકો હવે પારાવાર સમસ્યાઓથી ત્રાસી ચૂક્યા હોય તેમ છે. જો કે, અધૂરામાં પૂરું હવે સ્થાનિક વિસ્તારમાં રખડતા પશુઓએ અડ્ડો જમાવતા કેટલાય લોકો માટે ભારે પરેશાની બની છે. પોલો ગ્રાઉન્ડ વિસ્તારમાં ખાનગી તેમજ સરકારી પ્રાથમિક સહિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ હોવાથી કેટલાય વાલીઓ માટે રખડતા પક્ષીઓનો ત્રાસ જીવના જોખમ સમાન બની રહે છે.

ચૂંટણી વખતે મોટાભાગના નેતાઓ મત મેળવવા માટે મસમોટા વાયદાઓ કરી સત્તાસ્થાને બેસે છે. ત્યારે જરૂરિયાતના સમયે હવે સ્થાનિક વિસ્તારમાં ભાગ્યે જોવા ન મળતા સ્થાનિકોમાં રોષ વ્યાપ્યો છે. તેમજ આગામી સમયમાં મત ન આપવાની પણ ચીમકી ઉચ્ચારી છે.

હિંમતનગરના પોલો ગ્રાઉન્ડ વિસ્તારમાં રખડતા પશુઓના ત્રાસથી કેટલાય લોકો ભારે પરેશાની ભોગવી રહ્યા છે. ત્યારે સ્થાનિક યુવકે આ મામલે સાબરકાંઠા જિલ્લા કલેક્ટર કચેરી સહિત નગરપાલિકાને પાછલા 15 દિવસમાં બે વાર લેખિત રજૂઆત કરી છે. જો કે, વહીવટી તંત્ર જાણે કે સામાન્ય માણસોની પરેશાની દૂર કરવાની જગ્યાએ માત્ર ખભેથી માથે કરતા હોય તેમ પાલિકા અને જિલ્લા સમાહર્તા એકબીજાને માત્ર પત્રાચાર કરતા હોય તેવું લાગી રહ્યું છે. આજે આ મામલે ફરી એકવાર સાબરકાંઠા જિલ્લા સમાહર્તાને રજૂઆત કરતા તેમની પાલિકાની આવેલી અરજી મામલે કામગીરી કરવાની નોંધ સાથે પત્ર મોકલી આપ્યો હતો. જો કે, ચોક્કસ કાર્યવાહીના નામે આજે પણ હિંમતનગર નગરપાલિકા સહિત વહીવટી તંત્ર જાણે કે બહેરું બની ગયું હોય તેમ છે.

આગામી સમયમાં આ મામલે ચોક્કસ કાર્યવાહી નહીં થાય તો હિંમતનગર નગરપાલિકામાં આગામી સમયમાં સ્થાનિકોનો વિરોધનો વંટોળ પેદા થાય તો નવાઈ નહીં. હાલના સમયે પોલો ગ્રાઉન્ડ વિસ્તારમાં બાળકો સહિત સ્થાનિકોને ઘરની બહાર નીકળવું ખૂબ મુશ્કેલ બની રહ્યું છે. આ સાથે રખડતા ઢોરોના ત્રાસને પગલે લોકોમાં ભય જોવા મળી રહ્યો છે. જોવાનું એ છે કે, આવનારા સમયમાં તંત્ર દ્વારા રખડતા ઢોરો સામે કેવા અને કયા પ્રકારના પગલાં ભરવામાં આવે છે.