January 22, 2025

સાબરકાંઠામાં ભારે વરસાદ: ખેડબ્રહ્મામાં 2 ઇંચ વરસાદ, નદીનાળા છલકાયાં

સાબરકાંઠા: સાબરકાંઠા જિલ્લામાં આજે અતિભારે વરસાદ વરસ્યો છે. સાબરકાંઠા જિલ્લાના વડામથક હિંમતનગરની સાથે સાથે ખેડબ્રહ્મા સહિત જુદા જુદા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થયો છે. જેને કારણે રસ્તાઓ પર નદીઓ વહેતી થઈ હતી અને નદીનાળા છલકાઈ ગયા હતા. તો ભારે વરસાદને કારણે વાહનચાલકો અને રાહદારીઓને ખાસ્સી હાલાકી વેઠવી પડી હતી.

મળતી માહિતી મુજબ, સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં આજે 2 ઇંચ થી વધુ વરસાદ વરસતા નદીનાળા છલકાઈ ગયા હતા. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ભિમાંક્ષી નદીમાં નવા નીરની આવક થતાં નદી બંને કાંઠે વહેતી થઈ છે. દામાવાસ, કંપા, કલોલ, તાંદલીયા સહિતના ગામોમાં ખેતરોમાંથી પાણી વહેતા થયા હતા. વધુમાં, આજે થયેલા વરસાદને પગલે ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. થોડા દિવસો પહેલા થયેલા વરસાદ બાદ ખેડૂતોએ વાવણી કરી હતી. વાવણી બાદ આજે વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ભિમાંક્ષી નદીમાં નવા નીરને પગલે આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં જળસ્તર ઉંચા આવશે.

વધુમાં, સાબરકાંઠા જિલ્લાના વડામથક હિંમતનગર ખાતે પણ આજે ભારે વરસાદ થયો છે. ભારે વરસાદને કારણે અનેક સ્થળોએ પાણી ભરાયા હતા. હિંમતનગર ત્રિમૂર્તિ કોમ્પલેક્ષમાં વરસાદી પાણી ભરાયા હતા. ભારે વરસાદને કારણે નેશનલ હાઈવેનું પાણી દુકાનોમાં ઘૂસી આવ્યું હતું. દુકાનોમાં કેડસમા પાણી ભરાઈ જતાં વેપારીઓ દુકાનો બંધ રાખવા મજબૂર બન્યા હતા. હાઇવેનું પાણી દુકાનોમાં ઘૂસી આવતા વેપારીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. દુકાનોમાં પાણી ઘૂસી જતાં વેપારીઓના માલમિલકતને ભારે નુકસાન થવા પામ્યું હતું.