December 5, 2024

BZ ગ્રુપના સંચાલક ભૂપેન્દ્રસિંહ સામે ચૂંટણી પંચમાં ફરિયાદ, માહિતી છુપાવી હોવાનો આક્ષેપ

સાબરકાંઠાઃ બીઝેડ ગ્રુપમાં સંચાલક ભૂપેન્દ્ર ઝાલા સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. કુમાર ભાટ નામના યુવકે હિંમતનગર ચૂંટણી શાખામાં લેખિતમાં ફરિયાદ દાખલ કરાવી છે.

ભૂપેન્દ્ર ઝાલાએ લોકસભા 2024ની ચૂંટણીમાં ઉમેદવારીમાં વિગતો છુપાવ્યાની ફરિયાદ નોંધાવવામાં આવી છે. ભૂપેન્દ્ર ઝાલા સામે આર્મ્સ એક્ટનો ગુનો અમદાવાદમાં નોંધાયો હોવા છતાં માહિતી છુપાવી હતી. એફિડેવિટમાં ફરિયાદ સહિતની વિગતો છુપાવ્યાની ફરિયાદ કરવામાં આવી છે.

BZ ગ્રુપના પોન્ઝી સ્કિમકાંડના આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાની મિલકત અંગે સીઆઇડી ક્રાઇમ સક્રિય થઈ ગઈ છે. મોડાસા સબ રજિસ્ટ્રાર કચેરીમાંથી સીઆઇડી ક્રાઈમે ડેટા એકઠા કર્યા છે. ભૂપેન્દ્રસિંહ ઝાલાની મિલકતો અંગેનું લિસ્ટ મેળવ્યું છે. બીઝેડની જમીન અન્યને ટ્રાન્સફર ન થાય માટે મૌખિક સૂચના આપવામાં આવી છે. મોડાસા તાલુકામાં અત્યાર સુધી 5 સંપતિઓ ખરીદવામાં આવી છે.

વર્ષ 2023થી અત્યાર સુધીમાં કરોડોની અલગ અલગ સ્થળે 30 વીઘા જમીન ખરીદી છે. સાકરિયા પાસે ત્રણ જગ્યા, લીંભોઈ, સજાપુર પાસે એક-એક જગ્યા ખરીદી હતી. સાકરિયામાં બાનાખત કરી 3 કરોડમાં 9 વીઘા જગ્યા ખરીદી છે. અરવલ્લી જિલ્લાના અન્ય તાલુકામાંથી પણ મિલકતો ખરીદી હોવાની માહિતી બહાર આવી શકે છે. રોકાણકારોના કરોડો રૂપિયાથી પોતાના નામે કરી સંપતિ ખરીદી હતી.