ભીખાજી ઠાકોરની કોંગ્રેસમાં જવા અંગે સોશિયલ મીડિયામાં સ્પષ્ટતા
અમદાવાદઃ લોકસભા ચૂંટણી નજીક છે. ત્યારે રાજકીય પક્ષો જીતવા માટે પ્રચાર-પ્રસારમાં લાગી ગયા છે. આ દરમિયાન ભાજપની સાબરકાંઠા અને વડોદરાના લોકસભા ઉમેદવારની જાહેરાત બાદ નામ બદલવામાં આવ્યા હતા. જેને લઈને રાજકારણ ગરમાયું છે.
સાબરકાંઠા બેઠક પર પહેલાં ભાજપે ભીખાજી ઠાકોરના નામની જાહેરાત કરી હતી. ત્યારબાદ વિવાદ થતા તેમની જગ્યાએ શોભના બારૈયાનું નામ જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારપછી સોશિયલ મીડિયા સહિત ચારેતરફ ભીખાજી ઠાકોર કોંગ્રેસમાં જોડાવવાના છે તેવી વાતો વહેતી થઈ હતી. ત્યારે આ મામલે ભીખાજી ઠાકોરે ખુલાસો કર્યો છે.\
ભીખાજીએ શું સ્પષ્ટતા કરી?
ભીખાજી ઠાકોરે કોંગ્રેસમાં જોડાવવાની વાત અંગે સ્પષ્ટતા કરતા સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી હતી કે, ‘હું ભાજપ છોડી કોઈપણ અન્ય પક્ષમાં જોડાવવાનો નથી. કોઈ બીજા પક્ષમાં જોડાવવાની વાત અફવા જ સમજવી.’ ઉલ્લેખનીય છે કે, તેમની કોંગ્રેસમાં જોડાવવાના છે તેવી પોસ્ટ વાયરલ થઈ હતી. ત્યારે તેમની સ્પષ્ટતા બાદ હવે કોંગ્રેસમાં જોડાવવાની ચર્ચા પર પૂર્ણવિરામ લાગ્યો છે.
આ પણ વાંચોઃ અરવલ્લીના એક છેડે મુખ્યમંત્રી અને બીજે છેડે કોંગ્રેસ અધ્યક્ષે ચા-પાણી કર્યા
વડોદરામાં પોસ્ટરવોર જામ્યું હતું
તો બીજી તરફ, વડોદરામાં પણ રાજકારણ ગરમાયું હતું. રંજનબેન ભટ્ટનું નામ જાહેર કરતા પૂર્વ મેયર જ્યોતિબેન પંડ્યાએ બળવો પોકાર્યો હતો. ત્યારબાદ સાવલીના ધારાસભ્યએ રાજીનામુ આપી દીધું હતું. તેમને ભાજપ હાઇકમાન્ડે માત્ર 14 કલાકમાં જ મનાવી લીધા હતા. ત્યારબાદ વડોદરાના સાંસદ અને ઉમેદવાર રંજન ભટ્ટે સોશિયલ મીડિયા પર લોકસભા ચૂંટણી લડવાની અનિચ્છા વ્યક્ત કરી હતી. ત્યારબાદ લોકસભા ચૂંટણી માટે નવા ઉમેદવાર ડૉ. હેમાંગ જોશીના નામની જાહેરાત કરવામાં આવી હતી.