અંગ્રેજોનો કાળો કાયદો, સ્થાનિકોનો વિરોધ, અંધાધૂંધ ફાયરિંગ ‘ને 1200 આદિવાસી શહીદ, જાણો સમગ્ર ઘટના

ચિરાગ મેઘા, સાબરકાંઠાઃ જલિયાંવાલા બાગમાં થયેલા હત્યાકાંડથી પણ ભયાનક હત્યાકાંડ સાબરકાંઠાના વિજયનગરના પાલ દઢવાવ ગામે સર્જાયો હતો. જેમાં 1200થી વધારે આદિવાસી લોકોનાં મોત થયા હતા. આ ઘટનાની આજે 103મી વરસી છે. ત્યારે 7 માર્ચ 1922ના રોજ ગામે અંગ્રેજ સાર્જન્ટે કરેલા અંધાધૂંધ ફાયરિંગમાં 1200થી વધુ આદિવાસી સ્વાતંત્રસેનાનીઓનાં મોત થયા હતા. તેના પગલે આજે હત્યાકાંડની જગ્યા ઉપર શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
સાબરકાંઠા જિલ્લાના વિજયનગરમાં સર્જાયેલા આ હત્યાકાંડમાં 1200 જેટલા આદિવાસીઓ શહીદ થયા હતા. સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરથી 85 કિલોમીટર દૂર આવેલા વિજયનગરમાં 7 માર્ચ 1922નો દિવસ વિજયનગરના વનવાસીઓ માટે કાળો દિવસ સાબિત થયો હતો. આ વિસ્તારના ગરીબ વનવાસીઓ ઉપર અંગ્રેજ સરકારે વધારાનો કર નાંખ્યો હતો અને દમન શરુ થતા સ્થાનિક કક્ષાએ વિરોધાભાસ સર્જાયો હતો. તેને કારણે વિરોધ કરવા માટે રાજસ્થાન મેવાડના જાણીતા સ્વાતંત્ર્યસેનાની મોતીલાલ તેજાવતે પાલ અને દઢવાવ પાસે આવેલા મેદાનમાં એક સભા બોલાવી હતી.
આ સભામાં પોશીના અને આસપાસના ગામોનાં હજારો લોકો ઉમટી પડ્યા હતા અને આ કાયદો નાબુદ કરવાના પ્રયાસો કરવાનું નક્કી થયું હતું. ત્યારે અચાનક કોઈની બંદૂકમાંથી ગોળી છૂટી અને આ ગોળી અંગ્રેજ અમલદાર એકજી સટ્ટનના કાનની નજીકથી પસાર થઈ હતી. ગભરાયેલા અંગ્રેજ અમલદારે સૈન્યને ગોળીઓ ચલાવવા આદેશ આપી દીધો હતો. જો કે, ગોળીબાર અટકાવવા ત્યાં ઉભેલી બાલેટાગઢ ગામની એક આદિવાસી મહિલા સોમીબેન ગામીતે સુલેહ કરાવવા માટે સાડી અંગ્રેજો અને વનવાસીઓ વચ્ચે ફેંકી.
આદિવાસી રીવાજ મુજબ એ રીતે કોઈ સ્ત્રી સાડી ઉતારી બે પક્ષોની વચ્ચે ફેંકે તો ગમે તેવો સંઘર્ષ હોય પણ તે અટકી જાય છે. સુલેહ થઈ જાય છે. પરંતુ આ વનવાસીઓની ઉગતી હિંમત ડામી દેવા માટે અંતે અંગ્રેજોએ કાળો કેર વર્તાવ્યો અને ફાયરિંગ કરવામાં આવ્યું હતું. રાજસ્થાનનાં ખેરવાડાથી આવેલી અંગ્રેજ પલટને કરેલા અંધાધૂંધ ફાયરીંગમાં 1200 લોકો મોતને ભેટ્યા હતા.
પાલગામના સામાજિક કાર્યકર નલિનકાંત કલાસ્વાના જણાવ્યા અનુસાર, બચવા માટે કેટલાક કોટની દીવાલ કૂદેલા પણ તેઓ સીધા કૂવામાં પડીને મોતને ભેટ્યા. તો બાકીની લાશો પણ અંગ્રેજોએ કૂવામાં જ નાંખી દીધી હતી. તો અન્ય લાશોને બાજુમાંથી પસાર થતી ‘હેર’ નદીમાં વહાવી દીધી હતી. ત્યારે અંગ્રેજોની આ દમનકારી નીતિમાં 1200 વનવાસીઓએ જીવ ગુમાવી શહીદી વહોરેલી. જો કે, આજે હત્યાકાંડને 103 વર્ષ જેટલો સમય વીતી ગયો છે. બીજી તરફ આઝાદીનો અમૃત પર્વ ઉજવાઈ રહ્યો છે. ત્યારે આજની તારીખે પણ સ્થાનિક કક્ષાએ વહીવટી તંત્ર સામે હત્યાકાંડ મામલે વિવિધ આક્ષેપ પ્રતિઆક્ષેપ યથાવત્ રહ્યા છે.
આઝાદીના અમૃત પર્વ તેમજ પાલ દઢવાવ હત્યાકાંડ ને 103 વર્ષ જેટલો સમય વીતવા છતાં હજુ પણ વનવાસી સમાજના કેટલાય પ્રશ્નો યથાવત છે ત્યારે આગામી સમય પ્રશ્નોનો યોગ્ય ઉકેલ ન આવે તો વધુ એકવાર આંદોલનનો માર્ગ છેડાશે તે નક્કી છે.