November 25, 2024

યુક્રેનના હુમલાથી આખી રાત રશિયામાં ખળભળાટ, મોસ્કો પર છોડ્યા 26 ડ઼્રોન; વાગતી રહી સાયરન

Russia Ukraine War: યુક્રેને ફરી એકવાર રશિયન શહેરો પર હુમલો કર્યો છે. રશિયન અધિકારીઓના જણાવ્યા અનુસાર, શનિવારે રાત્રે યુક્રેન તરફથી ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો. મોસ્કોમાં ઓછામાં ઓછા 26 ડ્રોન છોડવામાં આવ્યા હતા, જે હવામાં નાશ પામ્યા હતા. આ દરમિયાન આખી રાત સાયરન વાગતી રહી. રશિયન અધિકારીઓએ યુક્રેનિયન હુમલાને અમેરિકાનું કાવતરું ગણાવ્યું છે. રશિયાનો આરોપ છે કે યુક્રેન અમેરિકા અને અન્ય પશ્ચિમી દેશોની સૈન્ય સહાયતાથી રશિયા પર હવાઈ હુમલા કરી રહ્યું છે.

રશિયન પ્રાદેશિક અધિકારીઓએ જણાવ્યું હતું કે યુક્રેને શનિવારે મોસ્કો અને સમગ્ર રશિયામાં કેટલાક લક્ષ્યો સામે રાતોરાત ડ્રોન હુમલા કર્યા હતા. મોસ્કોના મેયર સર્ગેઈ સોબ્યાનિને ટેલિગ્રામ મેસેજિંગ એપ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે મોસ્કોની આસપાસના વિસ્તારમાં ઘણા ડ્રોનનો નાશ કરવામાં આવ્યો હતો.

આ રશિયન શહેરોમાં હવાઈ હુમલા
યુક્રેન દ્વારા લોન્ચ કરાયેલા લગભગ 26 ડ્રોન રશિયાના દક્ષિણ-પશ્ચિમમાં બ્રાયન્સ્કના સરહદી વિસ્તારમાં નાશ પામ્યા હતા. આ પ્રદેશના ગવર્નર એલેક્ઝાન્ડર બોગોમાઝે જણાવ્યું હતું. વોરોનેઝ પ્રદેશમાં 10 થી વધુ ડ્રોનનો નાશ કરવામાં આવ્યો હતો અને કુર્સ્ક, લિપેટ્સક, રિયાઝાન અને તુલા પ્રદેશોમાં ઘણા ડ્રોન તોડી પાડવામાં આવ્યા હતા. અહેવાલો અનુસાર હુમલાના પરિણામે કોઈ ઈજા કે નુકસાન થયું નથી. આ હુમલા અંગે યુક્રેન તરફથી તાત્કાલિક કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી.

આ પણ વાંચો: કોલકાતા કેસને લઈ કોંગ્રેસનો મોટો દાવો- પીડિતાના પરિવારજનો નજરકેદમાં, પિતાને પૈસાની ઓફર કરાઈ

રશિયા પર યુક્રેનના હુમલા વધી રહ્યા છે
છેલ્લા કેટલાક સપ્તાહમાં યુક્રેને રશિયા પર વળતો હુમલો કર્યો છે. યુક્રેનની સેનાએ 5 ઓગસ્ટથી રશિયન શહેર કુર્સ્ક પર કબજો જમાવ્યો છે અને રશિયન સેના શહેરને આઝાદ કરાવવા માટે સંઘર્ષ કરી રહી છે. યુક્રેનનો સ્થાનિક ડ્રોન ઉદ્યોગ ઝડપથી વધી રહ્યો હોવાથી કિવ રશિયા પર હુમલાઓ વધારી રહ્યું છે. યુક્રેન રશિયાની એનર્જી, મિલિટ્રી અને ટ્રાન્સપોર્ટેશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલો કરી રહ્યું છે.