January 18, 2025

રશિયા-યુક્રેન યુદ્ધમાં 12 ભારતીયોના મોત, 16 ગુમ, વિદેશ મંત્રાલયે આપી માહિતી

Russia Ukrain War: યુક્રેન સાથે ચાલી રહેલા સંઘર્ષમાં રશિયન સશસ્ત્ર દળોમાં સેવા આપતા 12 ભારતીયોના મોત થયા છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે લગભગ 18 ભારતીય નાગરિકો હજુ પણ સેનામાં સેવા આપી રહ્યા છે, જેમાંથી 16 લોકોના ઠેકાણા હજુ સુધી જાણી શકાયા નથી.

વિદેશ મંત્રાલયે શુક્રવારે જણાવ્યું હતું કે યુક્રેન સાથે ચાલી રહેલા સંઘર્ષમાં રશિયન સશસ્ત્ર દળોમાં સેવા આપતા ઓછામાં ઓછા 12 ભારતીયોના મોત થયા છે. મંત્રાલયે કહ્યું કે લગભગ 18 ભારતીય નાગરિકો હજુ પણ સેનામાં સેવા આપી રહ્યા છે, જેમાંથી 16 લોકોના ઠેકાણા હજુ સુધી જાણી શકાયા નથી.

ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું, “રશિયન આર્મીમાં સેવા આપતા ભારતીય નાગરિકોના 126 કેસ નોંધાયા છે. આ 126 કેસમાંથી 96 લોકો ભારત પરત ફર્યા છે અને તેમને રશિયન સશસ્ત્ર દળોમાંથી રજા આપવામાં આવી છે. “તેમણે કહ્યું કે 18 ભારતીય નાગરિકો હજુ પણ રશિયન સેનામાં છે અને તેમાંથી 16 ગુમ છે. જયસ્વાલે કહ્યું, રશિયન પક્ષે તેમને ગુમ તરીકે વર્ગીકૃત કર્યા છે. અમે બચી ગયેલાઓની તાત્કાલિક મુક્તિ અને સ્વદેશ પરત લાવવાની માગ કરી રહ્યા છીએ.”

રશિયન આર્મીમાં કામ કરતા કેરળના યુવકના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો
આ અઠવાડિયાની શરૂઆતમાં, એવું નોંધાયું હતું કે ફ્રન્ટ લાઇન પર તૈનાત કેરળના એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું, જ્યારે તેના સંબંધીને ગંભીર ઈજાઓ થઈ હતી. મૃતકની ઓળખ 32 વર્ષીય બિનિલ તરીકે થઈ છે, જે કેરળના થ્રિસુર જિલ્લાના વાડક્કનચેરીનો રહેવાસી છે. ઘાયલ વ્યક્તિનું નામ જૈન ટીકે, ઉ.વ. 27 છે, જે તે જ વિસ્તારનો છે.

બિનિલના મૃત્યુ પર શોક વ્યક્ત કરતાં જયસ્વાલે કહ્યું, “બિનીલ બાબુનું મૃત્યુ અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે. અમે પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. અમારું દૂતાવાસ રશિયન અધિકારીઓના સંપર્કમાં છીએ, જેથી તેમના પાર્થિવ દેહને શક્ય તેટલી વહેલી તકે ભારત પરત લઈ આવી શકાય. ઈજાગ્રસ્ત અન્ય એક વ્યક્તિની મોસ્કોમાં સારવાર ચાલી રહી છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે તે તેની સારવાર પૂરી કરીને ટૂંક સમયમાં ભારત પરત ફરશે.

વિદેશ મંત્રાલયે ભારતીયોને વહેલી તકે મુક્ત કરવાની માગ કરી છે
બિનિલ અને જૈન એવા કેટલાંક ભારતીય યુવાનોમાં સામેલ છે જેઓ રશિયાની લશ્કરી સહાય સેવામાં ઈલેક્ટ્રીશિયન, રસોઈયા, પ્લમ્બર અને ડ્રાઈવર તરીકે કામ કરવાની આશામાં એપ્રિલમાં રશિયા ગયા હતા.

આ અઠવાડિયાની શરૂઆતમાં, જયસ્વાલે કહ્યું હતું કે આ મામલો મોસ્કો સત્તાવાળાઓ તેમજ નવી દિલ્હીમાં રશિયન એમ્બેસી સાથે મજબૂત રીતે ઉઠાવવામાં આવ્યો છે. વિદેશ મંત્રાલયના સત્તાવાર પ્રવક્તાએ કહ્યું કે અમે બાકીના ભારતીય નાગરિકોને વહેલી તકે મુક્ત કરવાની માંગ પણ કરીશું.