નિજ્જર મામલે રશિયાનું મોટું નિવેદન, ભારત પર લગાવવામાં આવી રહ્યા છે ખોટા આરોપ
Russia Support India : ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની કથિત હત્યા મામલે અમેરિકા સતત ભારતને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યું છે. પરંતુ હવે રશિયા ભારતના સમર્થનમાં આવ્યું છે. તેણે અમેરિકા પર પણ આકરા પ્રહારો કર્યા છે. રશિયાના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મારિયા ઝખારોવાએ કહ્યું કે, ભારત પર પન્નુ સાથે સંબંધિત ષડયંત્રનો આરોપ લગાવવો એ એક દેશ તરીકે ભારતનું અપમાન છે.
રશિયાના વિદેશ મંત્રાલયે કહ્યું, ભારત પર સતત ખોટા આરોપો લગાવવામાં આવી રહ્યા છે. અમેરિકાએ અન્ય ઘણા દેશો પર પણ ધાર્મિક સ્વતંત્રતાના ઉલ્લંઘનનો આરોપ લગાવ્યો છે. પન્નુની હત્યા કેસમાં અમેરિકાના આરોપો દર્શાવે છે કે તેને ભારતીય ઈતિહાસ વિશે ગેરસમજ છે. આ એક દેશ તરીકે ભારતનું અપમાન છે. અમેરિકા સામાન્ય ચૂંટણીઓ વચ્ચે આવા આરોપો સાથે ભારતને અસ્થિર કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.
ભારતને ગંભીરતાથી લો
આ પહેલા સોમવારે અમેરિકી વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું હતું કે ભારતે આ મામલાને ગંભીરતાથી લેવો જોઈએ. એવું કહેવામાં આવ્યું હતું કે અમેરિકા ભારત તરફથી તપાસના પરિણામોની રાહ જોઈ રહ્યું છે. અમેરિકાનો આરોપ છે કે ખાલિસ્તાની આતંકવાદી પન્નુની હત્યાનું કાવતરું ભારતીય અધિકારીએ ઘડ્યું હતું. આ અંગે ચેક રિપબ્લિકમાં નિખિલ ગુપ્તા નામના ભારતીય નાગરિકની ધરપકડ કરવામાં આવી હતી.
કોર્ટે અમેરિકાને આપ્યો ઝટકો
પન્નુની હત્યાના આરોપમાં નિખિલ ગુપ્તા નામના ભારતીય નાગરિકની ચેક રિપબ્લિકમાં ધરપકડ કરવામાં આવી છે. અમેરિકા નિખિલના પ્રત્યાર્પણની કોશિશ કરી રહ્યું છે. પરંતુ ચેક રિપબ્લિકની કોર્ટે અમેરિકાને આંચકો આપ્યો છે. કોર્ટે ભારતીય નાગરિક નિખિલ ગુપ્તાના અમેરિકા પ્રત્યાર્પણના આદેશ પર રોક લગાવી દીધી હતી. જેને નીચલી અદાલતોએ માન્ય રાખી હતી. અગાઉ, ચેક રિપબ્લિકની નીચલી અદાલતોએ નિખિલ ગુપ્તાના પ્રત્યાર્પણને મંજૂરી આપી હતી. યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટે આરોપ લગાવ્યો હતો કે નિખિલે પન્નુની હત્યા માટે કોન્ટ્રાક્ટ કિલરને પૈસા આપ્યા હતા. તમને જણાવી દઈએ કે ભારતે પણ આ મામલે તપાસ ટીમ બનાવી છે. ટીમ પણ પોતાની રીતે તપાસ કરી રહી છે.