યુક્રેનના ડ્રોન હુમલાથી હચમચ્યું રશિયા, ઓઈલ ફિલ્ડથી લઈ સ્કુલો નિશાના પર
Ukraine: યુક્રેનની સેનાએ રશિયા પર મોટો હુમલો કર્યો છે. રશિયન અધિકારીઓએ કહ્યું કે એક જ રાતમાં યુક્રેનની સેનાએ દેશના ઘણા વિસ્તારોમાં ડઝનબંધ ડ્રોન છોડ્યા છે. રશિયન સંરક્ષણ મંત્રાલયના નિવેદન અનુસાર તેની વાયુ સંરક્ષણ પ્રણાલીએ યુક્રેન સરહદ અને તેની નજીકના કેટલાક વિસ્તારોમાં કુલ 75 ડ્રોનને અટકાવ્યા છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ 75 ડ્રોનમાંથી છત્રીસ ડ્રોન રોસ્ટોવ ક્ષેત્રમાં જ તોડી પાડવામાં આવ્યા છે.
રોસ્ટોવના ગવર્નર વેસિલી ગોલુબેવે એક ઓનલાઈન નિવેદનમાં જણાવ્યું હતું કે તેમના વિસ્તાર પર લગભગ 55 ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જો કે, આમાંથી કેટલા ડ્રોન શહેરમાં રોકાયા અને કેટલા પડ્યા તે તેમણે જણાવ્યું ન હતું. તેમણે કહ્યું કે ડ્રોન હુમલામાં મોરોઝોવસ્ક અને કામેન્સ્કી જિલ્લાના વેરહાઉસને પણ નુકસાન થયું છે. યુક્રેનની તાજેતરની કાર્યવાહી બાદ ત્રણ વર્ષથી ચાલતું યુદ્ધ વધુ ખતરનાક બનવાની શક્યતા વધી ગઈ છે.
ડ્રોન હુમલાથી રશિયન શહેરો હચમચી ગયા
યુક્રેનના ડ્રોન હુમલાએ યુક્રેનની સરહદ નજીક આવેલા બેલ્ગોરોડ, ક્રાસ્નોદર, કુર્સ્ક, ઓરીઓલ, રોસ્ટોવ, વોરોનેઝ અને રાયઝાન વિસ્તારોને હચમચાવી દીધા હતા. આખી રાત એર ડિફેન્સ સિસ્ટમ અને ડ્રોન વચ્ચે અથડામણના અવાજો સંભળાયા. અહેવાલો અનુસાર, યુક્રેન દ્વારા આ ડ્રોન બેરેજના કારણે રોસ્ટોવમાં તેલ ક્ષેત્રમાં આગ લાગી હતી. આ સિવાય જિલ્લા પ્રશાસને કહ્યું કે હુમલામાં રહેણાંક મકાનો, ફેક્ટરીઓ અને શાળાઓને પણ નુકસાન થયું છે. બેલ્ગોરોડના ગવર્નરે પણ આવો જ દાવો કર્યો છે.
આ પણ વાંચો: ‘ઈઝરાયલને હથિયાર ન આપે ભારત’, રાજનાથ સિંહને પત્ર લખી કરવામાં આવી અપીલ
યુક્રેને પુષ્ટિ કરી
યુક્રેનના જનરલ સ્ટાફે શનિવારે એક ફેસબુક પોસ્ટમાં જણાવ્યું હતું કે યુક્રેનિયન દળોએ મોરોઝોવસ્કમાં એક હવાઈ મથક પર હુમલો કર્યો હતો. જેમાં રશિયન દારૂગોળાના ડેપો તેમજ બેલ્ગોરોડ, કુર્સ્ક અને રોસ્ટોવ પ્રદેશોમાં ઈંધણના ડેપોને નિશાન બનાવવામાં આવ્યા હતા.
રશિયાનો બદલો
યુક્રેનના હુમલા બાદ રશિયાએ પણ જવાબી કાર્યવાહી કરીને યુક્રેનના શહેરો પર શાહેદ ડ્રોન વડે હુમલો કર્યો હતો. યુક્રેનિયન વાયુસેનાએ શનિવારે કહ્યું કે રશિયાએ શનિવારે રાત્રે 29 શાહેદ ડ્રોન અને ચાર મિસાઇલોથી યુક્રેન પર હુમલો કર્યો. યુક્રેનિયન એર ડિફેન્સે દેશના 9 વિસ્તારોમાં 24 ડ્રોન તોડી પાડ્યા છે, જો કે યુક્રેને જણાવ્યું નથી કે આ હુમલામાં કેટલું નુકસાન થયું છે.