‘પુતિને જાણીજોઈને ક્રિસમસનો દિવસ પસંદ કર્યો’, રશિયાના મિસાઇલ-ડ્રોન હુમલા મામલે ઝેલેન્સકીનું નિવેદન
ખાર્કિવઃ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ બુધવારે રશિયાના મિસાઈલ અને દેશના પાવર ગ્રીડ પર ડ્રોન હુમલાને લઈને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પર નિશાન સાધ્યું હતું. ઝેલેન્સકીએ કહ્યું કે, ‘પુતિને જાણીજોઈને હુમલો કરવા માટે ક્રિસમસ ડે પસંદ કર્યો.’
રશિયાએ નાતાલના દિવસે યુક્રેનના પાવર ગ્રીડ પર 170થી વધુ મિસાઇલો અને ડ્રોન છોડ્યા હતા. આ હુમલામાં એક વ્યક્તિનું મોત થયું હતું અને ભારે અંધારપટ છવાઈ ગયો હતો. ઝેલેન્સકીએ આ હુમલાને ‘અમાનવીય’ ગણાવ્યો હતો.
ઝેલેન્સકીએ કહ્યુ કે, ‘પુતિને હુમલા માટે જાણીજોઈને ક્રિસમસ પસંદ કર્યું. આનાથી વધુ અમાનવીય શું હોઈ શકે? બેલેસ્ટિક મિસાઈલ સહિત 70થી વધુ મિસાઈલો અને 100થી વધુ ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો જેનું લક્ષ્ય આપણી ઉર્જા પ્રણાલી હતી.’
તેમણે કહ્યું કે, ‘યુક્રેનિયન વાયુસેનાએ 50થી વધુ મિસાઇલોને તોડી પાડી હતી. પરંતુ તેમાંથી કેટલીક તેમના નિશાન પર પડી હતી. દુર્ભાગ્યે કેટલીક મિસાઇલો હિટ થઈ. તેને કારણે હાલ ઘણા વિસ્તારોમાં અંધારપટ છવાઈ ગયો છે.’
યુક્રેનની ડીટીઇકે એનર્જી કંપનીએ જણાવ્યું હતું કે, ‘હુમલાથી થર્મલ પાવર પ્લાન્ટના સાધનોને ખરાબ રીતે નુકસાન થયું છે. DTEK CEO મેક્સિમ ટિમ્ચેન્કોએ સાથી દેશોને વધુ હવાઈ સંરક્ષણ મોકલવા વિનંતી કરતા કહ્યુ કે, ‘પ્રકાશ અને હૂંફથી નાતાલની ઉજવણી કરતા લાખો લોકોને વંચિત રાખવું એ દુષ્ટ કૃત્ય છે જેનો જવાબ આપવો જ જોઇએ.’
પ્રાદેશિક સત્તાવાળાઓ પાસેથી પાવર કટની માહિતી મળ્યા પછી એન્જિનિયરો સિસ્ટમના સમારકામમાં વ્યસ્ત છે. ઇવાનો-ફ્રેન્કિવસ્ક પ્રદેશના વડા સ્વિતલાના ઓનિશ્ચુકે કહ્યુ કે, ‘ક્રિસમસની સવારે ફરી એકવાર બતાવ્યું કે આક્રમક દેશ માટે કંઈપણ પવિત્ર નથી.’
ડીનિપ્રોપેટ્રોવસ્કના ગવર્નર સેરગેઈ લિસાકે કહ્યું કે, રશિયા પ્રદેશની વીજળી સિસ્ટમને નષ્ટ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. રશિયાએ ખાર્કિવને પણ નિશાન બનાવ્યું હતું. શહેરના ગવર્નર ઓલેગ સિનેગુબોવે જણાવ્યું હતું કે, અધિકારીઓએ બોરીવસ્કે અને કુપ્યાન્સ્ક વિસ્તારોમાંથી 46 લોકોને બહાર કાઢ્યા છે.
મોસ્કોની સેનાનું લક્ષ્ય કુપ્યાન્સ્ક શહેરને ફરીથી કબજે કરવાનું છે, જે યુદ્ધના પહેલા જ વર્ષમાં કબજે કરવામાં આવ્યું હતું. સપ્ટેમ્બર 2022માં યુક્રેને તેને ફરીથી કબજે કરી લીધું. તેની સેનાએ ખાર્કિવ પ્રદેશના મોટા ભાગ પર ફરીથી કબજો જમાવ્યો હતો.