December 23, 2024

વિશ્વની પ્રથમ ઘટના: કામથી કંટાળીને રોબોટે કર્યો આપઘાત!

Robot Commits Suicide: દક્ષિણ કોરિયામાં એક રોબોટની આત્મહત્યાનો મામલો સામે આવ્યો છે. વિશ્વમાં પ્રથમ વખત દક્ષિણ કોરિયામાં કામના બોજને કારણે રોબોટે આત્મહત્યા કરી છે. આ સરકારી કર્મચારી અચાનક તેની ઓફિસની સીડી ઉપરથી નીચે કૂદી પડી ગયો અને રોબોટના ભાગો સીડીઓ નીચે વિખરાયેલા જોવા મળ્યા હતા. ગુમી સિટી કાઉન્સિલના આ મહેનતુ કર્મચારી દરરોજ સવારે 9 થી સાંજના 4 વાગ્યા સુધી કામ કરતો હતો. તેની તપાસ શરૂ કરવામાં આવી છે.

દક્ષિણ કોરિયાના શહેર ગુમીના રહેવાસીઓ શોકમાં ડૂબી ગયા
આ સમાચારથી સ્થાનિક લોકો દુખી છે. ડેઈલી મેઈલના અહેવાલ મુજબ રહસ્યમય સંજોગોમાં ગુમી સિટી કાઉન્સિલના સરકારી કર્મચારી રોબોટના ભાગો સીડીઓ નીચે વિખરાયેલા જોવા મળ્યા હતા. આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. કાઉન્સિલનું કહેવું છે કે નીચે પડ્યા બાદ રોબોટે કામ કરવાનું બંધ કરી દીધું હતું અને તેને ભારે નુકસાન થયું હતું.રોબોટ બિલ્ડીંગના બીજા અને પહેલા માળની સીડીઓ વચ્ચે મળી આવ્યો હતો. તેની આત્મહત્યાથી દક્ષિણ કોરિયાના શહેર ગુમીના રહેવાસીઓ શોકમાં ડૂબી ગયા છે.

આત્મહત્યા કરતા પહેલા રોબોટ એક જગ્યાએ ફરતો રહ્યો
પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે આત્મહત્યા કરતા પહેલા રોબોટ એક જ જગ્યાએ ફરતો રહ્યો. તપાસ એજન્સી રોબોટ ઉપરથી પડવાના કારણની તપાસ કરી રહી છે. કેલિફોર્નિયા સ્ટાર્ટઅપ ‘બેર રોબોટિક્સ’, જેણે આ ‘રોબોટિક આસિસ્ટન્ટ’ બનાવ્યું છે, તે પણ તેના ટુકડાઓનું પરીક્ષણ કરી રહ્યું છે. ગુમી સિટી કાઉન્સિલના અધિકારીઓના જણાવ્યા અનુસાર, રોબોટ ખૂબ જ લગનથી કામ કરતો હતો. તેમના રોજિંદા કાર્યોમાં નિયમિત દસ્તાવેજો પહોંચાડવા, શહેરનો પ્રચાર કરવો, સ્થાનિક રહેવાસીઓને માહિતી આપવી વગેરેનો સમાવેશ થતો હતો.

કામના કારણે તણાવમાં હતો રોબોટ
અધિકારીઓના જણાવ્યા અનુસાર, પ્રત્યક્ષદર્શીઓના નિવેદનો પરથી અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે રોબોટ કદાચ કોઈ તણાવમાં હતો. મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીના જણાવ્યા અનુસાર, આત્મહત્યા કરનાર રોબોટના છૂટાછવાયા ભાગો એકત્રિત કરવામાં આવ્યા છે. તે તમામ પાર્ટ્સ તે કંપનીને મોકલવામાં આવી રહ્યા છે જેણે રોબોટ ડિઝાઇન કર્યો છે જેથી તે તેનું સંપૂર્ણ વિશ્લેષણ કરી શકે અને સમગ્ર સત્ય શોધી શકે. આ રોબોટની આત્મહત્યા બાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ અફસોસ વ્યક્ત કર્યો હતો. એક અહેવાલ પ્રમાણે આ રોબોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના કામમાં મદદ કરી રહ્યો હતો. મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમના એક અધિકારીએ જણાવ્યું કે રોબોટ લગભગ એક વર્ષથી ગુમી શહેરના રહેવાસીઓને વહીવટી કામમાં મદદ કરી રહ્યો છે. તે ગત અઠવાડિયે પગથિયાંની નીચે નિષ્ક્રિય હાલતમાં મળી આવ્યો હતો. એનો અર્થ એ કે, તે એક્ટિવ નહોતો. અધિકારીએ જણાવ્યું કે, પ્રત્યક્ષદર્શીઓએ રોબોટને કૂદી જતાં પહેલાં આમ-તેમ ફરતા જોયો હતો, જેમ કે કંઈક ગડબડ હોય એમ. ઘટનાની પરિસ્થિતિ જાણવા માટે તપાસ કરવામાં આવી રહી છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે રોબોટ કામના કારણે તણાવમાં હતો.

રોબોટની આત્મહત્યાના સમાચાર ઈન્ટરનેટ મીડિયા પર વાયરલ થયા
તે સત્તાવાર રીતે સિટી હોલનો ભાગ હતો અને તેણે બિલ્ડિંગના તમામ માળની મુલાકાત લીધી હતી. તેણે ઓક્ટોબર 2023થી જ આ ઓફિસમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. જો કે, રોબોટની આત્મહત્યાના સમાચાર ઇન્ટરનેટ મીડિયા પર વાયરલ થયા છે. X પર કોઈ કહે છે કે તે કામથી કંટાળી ગયો હતો. કોઈએ કહ્યું કે બ્રેક અને રજાઓ વગર કામ કરવાને કારણે આવું થયું. કોઈએ કહ્યું કે જો તેની પાસે યૂનિયન હોત તો તે બચી ગયો હોત.