September 8, 2024

સુરતમાં ફરી ખાડીપૂરનું જોખમ, ડુંભાલમાં ઘરોમાં ઘૂસ્યા વરસાદી પાણી

અમિત રૂપાપરા, સુરત: સુરત શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે, દર વર્ષે સુરત શહેર પર ખાડીપૂરનું જોખમ તોડાયેલું રહે છે. ત્યારે ભારે વરસાદના કારણે ખાડીપૂરની પરિસ્થિતિનું નિર્માણ સુરતના ડુંભાલ અને લિંબાયત વિસ્તારમાં થયું હોય તેવું દેખાઈ રહ્યું છે. સુરતના ડુંભાલ વિસ્તારમાં આવેલ ઓમ નગરમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી જવાના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

ભારે વરસાદના કારણે લોકોના ઘરોમાં બેથી અઢી ફૂટ જેટલા પાણી ઘૂસી જવાથી લોકોની ઘરવખરીને પણ નુકસાન થયું છે. મહત્વની વાત છે કે છેલ્લા પાંચ થી છ વર્ષથી ઓમ નગરમાં આ જ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય છે. છતાં પણ કામગીરીના ભાગરૂપે તંત્ર દ્વારા અહીંયા પાણી ન ભરાય તે માટે કોઈ પણ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવતી નથી. લોકોના ઘરમાં રહેલું અનાજ પણ વરસાદી પાણીમાં પલળી ગયુ હોવાના કારણે હવે લોકો પાસે ભોજન બનાવવા માટે અનાજ પણ નથી રહ્યું. જ્યારે લોકો તંત્ર પાસે એક જ ગુહાર લગાવી રહ્યા છે કે તેમને જમવાની વ્યવસ્થા કરી આપવામાં આવે.

ઓમ નગરના રહેવાસી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, મોડી રાતથી જ પાણી ભરાવવાની શરૂઆત થઈ હતી અને આ બાબતે અધિકારીઓને પણ ટેલીફોનિક સૂચનાઓ આપવામાં આવી હતી પરંતુ જે તે સમયે કોઈ અધિકારી દેખાયા ન હતા અને હવે અધિકારીઓ દ્વારા માત્ર કામગીરી કરવામાં આવી છે તેવી વાતો કરવામાં આવી રહી છે. લોકોના ઘરમાં પાણી ભરાયા હોવા છતાં પણ ઉધના ઝોનના અધિકારીઓ કરી રહ્યા છે કે તંત્ર પોતાની કામગીરી કરે છે પરંતુ લોકો ખોટું બોલી રહ્યા છે. અધિકારીઓને તો લોકોની વાત ખોટી લાગી હતી પરંતુ જે લોકો મુશ્કેલીમાં મુકાયા છે તેમને મીડિયા સમક્ષ જણાવ્યું કે દર વર્ષે આ જ પ્રકારની પરિસ્થિતિ થાય છે પરંતુ તંત્ર દ્વારા કોઈપણ કામગીરી કરવામાં આવતી નથી.

બીજી તરફ ખાડી પૂરની પરિસ્થિતિનું નિર્માણ લિંબાયત વિસ્તારમાં થઈ રહ્યું હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા હતા. લિંબાયતની મીઠી ખાડીની આસપાસના વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરવા લાગ્યું હતું. આ ઉપરાંત ખાડીમાંથી પણ પાણી ડ્રેનેજ લાઈનમાં પાણી બેકમારતું હોવાના કારણે ગટરના ગંદા પાણી પણ સોસાયટીઓમાં ફરી વળતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ગંદા પાણીના કારણે લોકોના આરોગ્યને લઈને પણ કેટલાક સવાલો ઉઠી રહ્યા છે. જ્યાં પાણીનો નિકાલ જલ્દીમાં જલ્દી નહીં થાય તો રોગચાળો ફેલાવવાની પણ શક્યતા દેખાઈ રહી છે.

પર્વત પાટિયા અને લિંબાયતની સાથે સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં પણ વરસાદી પાણીના ભરાવાની સમસ્યાના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. વરસાદી પાણી ભરાઈ જવાના કારણે રસ્તા પર કેટલાક લોકોના વાહનો પણ બંધ પડી ગયા હતા. તેથી વાહનોને ધક્કો મારીને પાણીની બહાર કાઢવાની નોબત આવી હતી. શહેરમાં પાણી ભરવાની સમસ્યાને લઈને સુરત મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ ટીમોને મેદાનમાં ઉતારવામાં આવી હતી જે તમામ ટીમો દ્વારા પાણી નિકાલની કામગીરી પૂરજોશમાં કરવામાં આવી રહી છે.