November 24, 2024

‘આરજી કર હોસ્પિટલમાં તોડફોડ સરકારી મશીનરીની નિષ્ફળતા’, HCની મમતા સરકારને ફટકાર

Kolkata: કલકત્તા હાઇકોર્ટે આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલ કેમ્પસમાં થયેલ તોડફોડ અને ડોક્ટર્સ સાથે મારપીટ મામલે શુક્રવારે સંજ્ઞાન લીધું. કોર્ટે આ મુદ્દે બંગાળ સરકારને ફટકાર લગાવતા આ સમગ્ર ઘટનાને સરકારી મશીનરીની નિષ્ફળતા ગણાવી છે.

કોલકાતા હાઈકોર્ટના ચીફ જસ્ટિસે કહ્યું કે, આ મામલે કોર્ટે એક હોસ્પિટલમાં તોડફોડ સંબંધિત ઈમેલ મળ્યા બાદ મામલો ઉઠાવ્યો હતો. હાઈકોર્ટે કહ્યું કે આ રાજ્યના સરકારી તંત્રની સંપૂર્ણ નિષ્ફળતા છે. પોલીસ ફોર્સ સ્થળ પર હાજર હતી. આમ છતાં તે પોતાના જ લોકોને બચાવી ના શક્યા. આ એક દુઃખદ સ્થિતિ છે. આખરે આ ડોક્ટરો ડર્યા વગર કેવી રીતે કામ કરશે?

કલકત્તા હાઈકોર્ટે વધુમાં કહ્યું કે, “તમે ગમે ત્યારે CrPCની કલમ 144 પણ લગાવી શકો છો, પરંતુ જ્યારે હોસ્પિટલની આસપાસ આટલી બધી ઘટનાઓ થઈ રહી છે ત્યારે ઓછામાં ઓછા સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવો જોઈએ.” ચીફ જસ્ટિસે કહ્યું કે 7000 લોકો એમ જ તો ચાલતા ન આવી શકે.